અમદાવાદ: ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહિત કાર્યકરો અને આર્ટિસ્ટ દ્વારા કમલમના પ્રાંગણમાં રંગોળી પુરવામાં આવી છે.
રામમંદિર ભૂમિપૂજનઃ ગાંધીનગરમાં ભાજપ કાર્યલય કમલમને રોશનીથી શણગારાયું - Region President CR Patil
500 વર્ષ બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનવા જઇ રહ્યું છે. જેનો આજે શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ રહ્યો છે, ત્યારે શાસક પક્ષ તો જશ લેવાનો જ છે. ભાજપે તમામ દેશવાસીઓને આ શુભ અવસરે આજે દીપ પ્રગટાવીને દીપોત્સવ ઉજવવા જણાવ્યું છે, તો ભાજપના ગુજરાત પ્રદેશ મુખ્ય કાર્યાલય કમલમને પણ સુંદર શણગાર કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા રામ મંદિરના શિલાન્યાસ પર સૌ દેશવાસીઓને શુભકામનાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે. આજે ભાજપના અગ્રણી નેતાઓ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી રામ મંદિર શિલાન્યાસના લાઈવ દર્શન નિહાળવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આજે રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે. ઠેર-ઠેર વિવિધ પ્રકારના કાર્યક્રમો ઉજવાઇ રહ્યાં છે. તેમજ રાત્રીના સમયે દીપોત્સવ અને આતશબાજીનો કાર્યક્રમ પણ જુદી-જુદી સંસ્થાઓ દ્વારા રાખવામાં આવ્યો છે.