અમદાવાદ:ભાજપની પ્રદેશ કારોબારી બેઠક આજે બુધવારે કમલમમાં મળી છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં 9 સાલ બેમિસાલ પર ચર્ચા થઈ હતી. મોદી સરકારે 2014માં દેશની ધૂરા સંભાળી હતી. તેને નવ વર્ષ પુરા થયા છે. નવ વર્ષમાં મોદી સરકારે કરેલા વિકાસના કામો અને મોદી સરકારની યોજનાઓને મતદારો સુધી લઈ જવાની યોજના છે.
ભાજપની ત્રણ દિવસ ચિંતન શિબિર:તેમજ ભાજપ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 19 મેથી 21 મે 2023 એમ ત્રણ દિવસની ચિંતન શિબિર યોજાશે. જેમાં પણ ગુજરાત ભાજપ અને મોદી સરકારના 9 વર્ષના વિકાસના કામોની ગાથા પર ચર્ચા કરાશે, અને તેને કેવી રીતે પ્રજા સુધી પહોંચાડવી તે અંગે સ્ટ્રેટેજી ઘડાશે. કર્ણાટકમાં ભાજપની હાર પછી ગુજરાત પ્રદેશ ભાજપ હવે સ્હેજ પણ કચાશ રાખવા માંગતી નથી. અને વધુ સક્રિય થઈને પ્રજા વચ્ચે રહેવું.
પરિણામ પર પણ ચર્ચા:ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022માં યોજાઈ હતી. જેના પરિણામ પર પણ ચર્ચા થનાર છે. ભાજપ 156 બેઠક જીતીને રેકોર્ડ સર્જ્યો છે અને નવો ઈતિહાસ પણ બનાવ્યો છે. તેમ છતાં હજી ભાજપ કયા વિસ્તારોમાં પાછળ રહ્યો અને ત્યાં કયા કારણોસર હાર થઈ તેની ચર્ચા પણ જરૂરી બને છે. તે પહેલા આપણે ગુજરાત વિધાનસભાના પરિણામો પર એક નજર કરીએ.
વિધાનસભામાં હારેલી બેઠકોની સમીક્ષા:પોરબંદર લોકસભા બેઠક પર વિધાનસભાની કુલ 7 બેઠક આવે છે. જેમાં 4 બેઠક પર ભાજપ જીત્યું. બે બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક સમાજવાદી પાર્ટીને ગઈ હતી. પોરબંદરની વિધાનસભા બેઠક પર કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા 8,181 મતથી જીત્યા હતા. માણાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર 3,453 મતથી જીત્યા હતા. અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજા 26,712 મતથી જીત્યા હતા. આમ પોરબંદર, માણાવદર અને કુતિયાણા બેઠક પર ભાજપે મહેનત કરવી પડશે.
બનાસકાંઠામાં ભાજપ માટે પડકાર:બનાસકાંઠા લોકસભા બેઠક પર વિધાનસભાની કુલ 7 બેઠક છે. જેમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર એક નજર કરીએ તો 4 બેઠક પર ભાજપ, 2 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષ જીત્યા હતા. વાવમાં કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર 15,601 મતથી જીત્યા હતા. દાંતામાં કોગ્રેસના ઉમેદવાર 6,327 મતથી જીત્યા હતા. તેમજ ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈ 35,696 મતથી જીત્યા હતા. આમ વાવ, દાંતા અને ધાનેરામાં ભાજપે લોકસભાની ચૂંટણી જીતવા માટે મહેનત કરવી પડશે.
પાટણમાં ભાજપને મોટુ નુકસાન:પાટણ લોકસભાની બેઠકમાં વિધાનસભાની કુલ 7 બેઠક છે. જેમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં 3 બેઠક ભાજપ અને 4 બેઠક કોંગ્રેસ જીત્યું હતું. પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર 17,177 મતથી જીત્યા હતા. વડગામમાં કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણી 4,928 મતથી જીત્યા હતા. કાંકરેજમાં કોંગ્રેસના ઉમેદવાર 5,295 મતથી જીત્યા હતા. ચાણસ્મા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર 1,404 મતથી જીત્યા હતા. આમ પાટણ, વડગામ, કાંકરેજ અને ચાણસ્મા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપે લોકસભા જીતવા માટે વધુ મહેનત કરવી પડશે.
'ભાજપની પ્રદેશ કારોબારી અને ચિંતન શિબિરએ ચૂંટણી પ્રચાર અને કાર્યકર્તાઓની સાથે તેમજ પ્રજા સાથે એટેચમેન્ટ રહે તેના ભાગરૂપની એક્સરાઈઝ છે. નેતાઓ હોય કે કાર્યકર્તા પ્રજા વચ્ચે દેખાતા રહેવા જોઈએ. તેવી ગણતરી સાથે ભાજપ કોઈને કોઈ અભિયાન કે નવા કાર્યકર્મો આપે છે. અને ખાસ કરીને કર્ણાટકની ચૂંટણીના પરિણામ પછી હવે ભાજપ બીજા રાજ્યોમાં વધુ મહેનત કરશે અને સ્ટ્રેટેજિકલી આગળ વધશે.' -પાલા વરુ, રાજકીય નિષ્ણાત