અમદાવાદઃ હાલમાં અતિ ભારે ગરમી પડવાના કારણે પક્ષીઓ તરફડિયા મારતાં હોવાના વધુ કેસો સામે આવતાં પારેવડા ગ્રુપના જીતેન્દ્ર પટેલ કોઈપણ પક્ષીઓ તકલીફમાં હોવાના સમાચાર મળતાં ત્યાં પહોંચી જાય છે. ત્યારે આજરોજ એક સમડીનું બચ્ચું વધુ પડતી ગરમીના કારણે અર્ધબેભાન હાલતમાં છે તેવા સમાચાર મળતાં તેઓ ત્યાં પહોંચી ગયાં અને પક્ષીને ઉઠાવી જરૂરી દવા તેમજ ગ્લુકોઝ વગેરેની જરૂરિયાત પૂરી કરવા લાગ્યાં હતા.
લોકડાઉનમાં પક્ષીઓની વહારે આવતાં અમદાવાદના પક્ષીપ્રેમીઓ... - અમદાવાદ લૉક ડાઉન
આ લોકડાઉનના કપરા સમયમાં માણસો ઘરમાં રહેતા હોવાના કારણે પશુપક્ષીઓની વધુ હાલત કફોડી થઈ છે. કારણ કે માણસને તો ભોજનની કિટો મળે છે. તેમજ જમવાની તકલીફ હોય તો એકબીજાની મદદ દ્વારા ભોજનની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થતી જ હોય છે. ત્યારે લોકો દ્વારા પક્ષીઓ માટે જે બાજરી જુવાર નાખવામાં આવતાં હતાં તે પણ નાખવાનું બંધ કરવાના કારણે પક્ષીઓને શું ખાવું તે પણ તકલીફ થઈ છે. ત્યારે અમદાવાદના પારેવડા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે સેવાકાર્ય કરવામાં આવે છે.

કોરોનાની હાડમારીથી બચવા માટે 22 માર્ચથી દેશભરમાં જાહેર થયેલ લૉક ડાઉનમાં હરકોઈ મનુષ્ય અને પ્રાણી પક્ષીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યાં છે. આવી કાળઝાળ ગરમીમાં અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પારેવડા ગ્રુપ સતત સતર્ક રહીને છેલ્લાં 8 વર્ષથી 24x7 ઘાયલ અબોલ પક્ષીઓને નવજીવન આપી રહ્યું છે. લૉક ડાઉનની સાથે અમદાવાદ શહેરની કાળઝાળ ગરમીમાં પારેવડા ગ્રુપના સંયોજક જિતેન્દ્ર પટેલને કોલ આવ્યો કે એક જગ્યાએ સમડીનું બચ્ચું ગરમીના કારણે અર્ધ બેભાન અવસ્થામાં પડ્યું છે. તરત જ જઈને સમડીના બચ્ચાને શિબિરના સ્થળે લાવીને ગ્લુકોઝનું પાણી પીવડાવતાં જ થોડીવારમાં બચ્ચું સભાન અવસ્થામાં આવીને દોડવા લાગ્યું. જીતુભાઇના આ પારેવડા ગ્રુપમાં 500થી વધુ યુવાનો રાતદિવસ બર્ડ્સ રેસ્ક્યુ માટે જોડાયેલાં છે.