અમદાવાદ:ભૂપેન્દ્ર પટેલે આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા નવી દિલ્હીમાં 13 જેટલા અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકનો 6 ઓક્ટોબરથી પ્રારંભ કર્યો છે. નવી દિલ્લી ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને રાજ્યના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા કરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
સાણંદ ખાતે પ્લાન્ટનું ભૂમિ પૂજન: આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં પ્રથમ સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ ડી.જે. કીમ મુખ્યપ્રધાનને મળ્યાં હતાં. વૈશ્વિક સ્તરે ચોથી સૌથી મોટી એલ.ઈ.ડી. ઉત્પાદક તરીકે સિઓલ સેમિકન્ડક્ટરે નામના મેળવેલી છે. સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ સાથેની વાતચીતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમને ગુજરાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બનવા સજ્જ બન્યું છે. તેની વિગતો આપી હતી. મુખ્યપ્રધાને ખાસ કરીને ગુજરાત સેમિકન્ડક્ટર પોલીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે તેમ જણાવ્યું હતું. મુખ્યપ્રધાને આ ઉપરાંત સેમિકન્ડક્ટર પોલીસી 2022-27 અન્વયેના પ્રોત્સાહનોની પણ વિસ્તૃત સમજ આપી હતી. મુખ્યપ્રધાને સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડને વાઇબ્રન્ટ સમિટ-2024માં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.
રેલવે બોર્ડના ચેરમેન જયા સિંહા સાથે મુલાકાત:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હી ખાતે રેલવે બોર્ડના ચેરમેન જયા સિંહા મળ્યા હતા. ગુજરાતમાં વિવિધ રેલવે પ્રોજેક્ટ ધોલેરા ભીમનાથ, અમદાવાદ - ધોલેરા, હજીરા - સુરત, આબુ - અંબાજી , તારંગા વગેરેમાં પ્રગતિ ડીપીઆર અને ટેન્ડર સંદર્ભમાં ચર્ચા કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલા ઝડપી સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર સાથે જુદા જુદા રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ અને હાઇ સ્પીડ રેલ કોરિડોર અંગે પણ તેમણે વિચાર વિમર્શ કર્યો હતો.
પેટીએમના સ્થાપક શ્રીવીએલ શર્મા સાથે મુલાકાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નવી દિલ્હીમાં પેટીએમના સ્થાપક અને સીઈઓ શ્રીવીએલ શર્માએ મુલાકાત યોજીને ગુજરાતના ગિફ્ટ સિટી દ્વારા દેશના અન્ય રાજ્યોમાં પેટીએમ કનેક્ટિવિટીનો પ્રોજેક્ટ હાથ ધરવાની તત્પરતા વ્યક્ત કરી હતી. તેમણે ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્સ હબ બન્યું છે. તેમાં તેઓ પણ પોતાના ઓપરેશન દ્વારા સહયોગ કરવા માંગે છે તેની ભૂમિકા આપી હતી. એટલું જ નહિ ગુજરાતના શહેરી વિસ્તારમાં શેરી ફેરિયાઓ અને નાના દુકાન દારો માટે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા માટે તેમણે રાજ્યની નગરપાલિકાઓ સાથે જોડાણ કરવા પણ ઉસ્તુક્તા દાખવી હતી.