જાહેર માર્ગો પર ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ભુજઃ શહેરમાં અત્યારે ઠેર ઠેર ગંદકીના ઉકરડાં જોવા મળી રહ્યા છે. ભુજ નગર પાલિકા દર મહિને 55 લાખ રુપિયા જેટલો ખર્ચ કરે છે. તેમ છતાં ભુજમાં ઠેર ઠેર ગંદકી ઢેર જોવા મળી રહ્યા છે. શહેરના જાહેર માર્ગો પર ગંદકી અને કચરાના ઉકરડાંથી નાગરિકો ત્રસ્ત થઈ ચૂક્યા છે.
સફાઈ પાછળ કરોડોનો ધૂમાડોઃ 56 કિલોમીટરમાં વિસ્તરેલા ભુજમાં જાહેર માર્ગો પર ઠેર ઠેર ગંદકીના ઢેર જોવા મળી રહ્યા છે. નગર પાલિકાનો સ્ટાફ અને કોન્ટ્રાક્ટ સફાઈ કર્મી હોવા છતાં આજે આ શહેરમાં ગંદકી ખદબદતી જોવા મળે છે. ભુજ નગર પાલિકા દ્વારા વેરા મારફતે શહેરના મિલકત માલિકો પાસેથી એપ્રિલથી ઓકટોબર 2023 સુધીના 7 મહિના દરમિયાન 10,15,05,277 રૂપિયા વસુલી લીધા છે. નગર પાલિકા દર મહિને સફાઈ માટે 55 લાખનું ટેન્ડર એજન્સીને ચૂકવે છે. આમ 7 મહિનામાં સફાઈ પેટે નગર પાલિકાએ 3.85 કરોડ ખર્ચી કાઢ્યા છે. જાહેર માર્ગો પર ઘણા સમયથી એક વખત પણ સફાઈ કરવામાં ન આવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ભુજ શહેરમાં અગાઉ દરેક વોર્ડમાં વિસ્તાર મુજબ અલગ અલગ વોર્ડર દરરોજ સવારથી સાંજ સુધી ફરતા તેમજ સફાઈકાર્યનો અહેવાલ સેનિટેશન ઈન્સ્પેક્ટરને આપવામાં આવતો હતો. હવે શહેરની સફાઈકાર્યનું ટેન્ડર એજન્સીને આપી દેવાયું છે અને વોર્ડર્સ કોન્ટ્રાકટરને સમર્પિત થઈ ગયા છે. જેથી સફાઈની સ્થિતિ બગડતી જાય છે. ગંદકીની આ સ્થિતિ સુધારવા આગામી સમયમાં શહેરના 11 વોર્ડને 4 ઝોનમાં વહેંચીને દરેક ઝોનની સફાઈકાર્યનું અલગથી ટેન્ડરિંગ કરવામાં આવશે. -મહીદીપ સિંહ જાડેજા, કારોબારી ચેરમેન, ભુજ નગર પાલિકા
ભુજ નગર પાલિકામાં છેલ્લાં 38 વર્ષોથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને તેના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારે જાણે માજા મુકી હોય એમ આજે પણ શહેરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. સફાઈ માટે દર મહિને 55 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. છેલ્લાં 7 મહિનાથી નવા કોન્ટ્રાકટર આવ્યા છે જેમાં 4 કરોડ જેટલું સફાઈનું બિલ ચૂકવાઈ ગયું પરંતુ શહેરની હાલત ત્યાં ને ત્યાં જ છે. -કિશોરદાન ગઢવી, પ્રમુખ, ભુજ શહેર કૉંગ્રેસ
ભુજ નગર પાલિકાના વિસ્તારમાં સફાઈ માટેનું કોન્ટ્રાક્ટ આપેલો છે પરંતુ દિવાળી બાદ સફાઈની ક્ષતિઓ જણાઈ આવી છે ત્યારે કોન્ટ્રાક્ટ એજન્સીને નોટિસ પાઠવવામાં આવી છે અને જો કામગીરીમાં સુધારો નહીં થાય તો એજન્સીના ખર્ચે અને જોખમે કામગીરી કરવામાં આવશે. એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. સફાઈના બિલોનું વખતોવખત ચુકવણું કરવામાં આવતું હોય છે. ભંડોળને ધ્યાનમાં રાખીને કામગરી કરવામાં આવતી હોય છે છતાં કોઈ ચૂકવણું બાકી હશે તો આગામી સમયમાં ચૂકવી દેવાશે. -જીગર પટેલ, ચિફ ઓફિસર, ભુજ નગર પાલિકા
- ભુજમાં નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ શરૂ, પાંચ મિલકતોને સીલ કરી સેવાઓના જોડાણ કટ કર્યા
- Kutch News : જખૌના શેખરણ પીર બેટ પરથી ચરસના 2 પેકેટ મળી આવ્યા, એપ્રિલથી આજ સુધીમાં 29 પેકેટ જપ્ત