અમદાવાદઃ કોરોના વાઇરસના સંક્રમણને લઈને અપાયેલા લોકડાઉન પહેલા રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 5 ધારાસભ્યો રાજીનામાની ધરી દીધા હતા. હવે જ્યારે લોકડાઉન બાદ ચૂંટણી પંચે 19 જૂને રાજ્યસભાની ચૂંટણી જાહેર કરી છે. ત્યારે બે દિવસમાં કોંગ્રેસના અન્ય 3 ધારાસભ્યના રાજીનામા પડતા કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યના રાજીનામા પડ્યાં છે. આ રાજીનામાને લઈને કોંગ્રેસે ભાજપ પર 'હોર્સ ટ્રેડિંગ'નો આક્ષેપ મૂક્યો છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસને તેનો ભૂતકાળ યાદ અપાવ્યો - હોર્સ ટ્રેડિંગ
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગાંધીનગરના કમલમ ખાતેથી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતના ભાજપ-કોંગ્રેસ ઉપરાંત એનસીપીમાં પણ મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસને તેનો કાળો ભૂતકાળ યાદ કરાવ્યો હતો. જીતુ વાઘાણીએ શંકરસિંહ વાઘેલાનું 'ખજુરાહો કાંડ' પણ યાદ કરાવ્યું હતું. જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જો ભાજપ તેમના ધરાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ કરી રહ્યું કે ધાક-ધમકી આપી રહ્યું હોય તો શા માટે તેમને પોલીસ ફરિયાદ નથી નોંધાવી ! તેમના પોતાના પક્ષના ધારાસભ્યોની ઈચ્છા હોય ત્યારે જ તેઓ બીજા પક્ષમાં જાય છે. આ અગાઉ ભાજપના ધારાસભ્યો પણ અન્ય પક્ષમાં ગયા છે. કોંગ્રેસ પક્ષમાં હોય ત્યાં સુધી તેઓ ધારાસભ્ય સારા અને ભાજપ પક્ષમાં આવે ત્યારે ખરાબ થઈ જાય, તેવું કોંગ્રેસનું વલણ તેની પોલ ખુલી રહ્યું છે. કોંગ્રેસના રાજમાં લતીફ જેવા ગુંડાઓ કાળો કેર વર્તાવી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હોય, ત્યાં ભાજપને જીત માટેની બહુમતી ઓછી પડતા આવી તોડજોડની રાજનીતિ સતત જોવા મળી રહી છે. જે બાબત એક લોકશાહી દેશ માટે નુકસાનકારક છે.