હેમંત ચૌહાણે આ વીડિયોમાં જણાવ્યું છે કે, તેઓ લોકગાયક અને ભજનિક છે અને ભાજપની સિદ્ધિઓ બદલ તેઓ અન્ય સિનિયર ગાયકો અને સંગીતકારો તથા લોક કલાકારો સાથે મળીને અભિનંદન પાઠવવાના કાર્યક્રમમાં ગયા હતા. પરંતુ ત્યાં તેમનું સન્માન કરીને એવી જાહેરાત કરી નાંખવામાં આવી કે તેઓ ભાજપમાં જોડાયા છે. આવું કાંઈ નથી કારણ કે તેઓ તો લોક કલાકાર છે અને તેઓ કોઈ એક પક્ષની વિચારધારાને વરેલા નથી. તેમને મન તો તેમના ચાહકો જ સર્વસ્વ છે અને તેઓ તો ચાહકોના દિલોમાં બિરાજમાન રહેવા માગે છે.
કલાકારોનું જાહેરમાં અને રાજકીય પક્ષો દ્વારા સન્માન થવું એ બહુ સામાન્ય બાબત છે, એમ જણાવી હેમંત ચૌહાણે ઉમેર્યું હતું કે, અગાઉ કોંગ્રેસની સરકાર વખતે પણ તેમના સહિત બીજા ઘણા કલાકારોના સન્માન થતા હતા. તો તેનો મતલબ એવો તો નથી થતો કે તેઓ તથા અન્ય કલાકારો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. કોઈ રાજકીય પક્ષમાં જોડાઈને તેઓ પોતાની નામનાને હલકી કરવા માગતા નથી.