અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા હવે ગણતરીના સમયમાં યોજવા જઈ રહી છે, તેવામાં તે પહેલા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને અમદાવાદમાં બોલાવીને રથયાત્રાના બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં રથયાત્રા પહેલા શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર મેગા રિહર્સલ યોજવામાં આવ્યું હતું. જેમાં શહેર પોલીસની સાથોસાથ પેરામિલિટરી ફોર્સ અને ડિફેન્સની અલગ અલગ ટીમો રથયાત્રાના રૂટ પર નીકળી હતી. રથયાત્રાના રૂટ પર ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ યાદવ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનો પોલીસ અધિકારીઓને આપવામાં આવ્યા હતા.
મેગા રીહર્સલ યોજવામાં આવી : મહત્વનું છે કે, વહેલી સવારે સાત વાગે યોજવામાં આવેલી રિહર્સલમાં જગન્નાથ મંદિરથી લઈને સરસપુર મંદિર અને ત્યાંથી જગન્નાથ મંદિર પરત આવવાના રથયાત્રાના રૂટ ઉપર માઈક્રો લેવલની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બેરીકેટીંગથી લઈને તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં વહેલી સવારે વરસાદી માહોલ હતો, ત્યારે શહેર પોલીસ દ્વારા વરસાદની વચ્ચે આ મેગા રીહર્સલ યોજવામાં આવી હતી અને રથયાત્રાના દિવસે પણ જો વરસાદ પડે તો તેના માટે પણ શહેર પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
રથયાત્રામાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ :અમદાવાદ શહેરમાં યોજાનાર 146 મી રથયાત્રામાં આ વખતે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થશે, જેમાં થ્રીડી મેપિંગ વર્ચ્યુઅલ રિયાલિટી એનાલિસિસ અને હવાઈ સર્વેલન્સ જેમાં ડ્રોન મારફતે સમગ્ર રૂટ પર લાઈવ નજર રાખવામાં આવશે. મહત્વનું છે કે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રોડ પર ખાસ બેરિકેટિંગ કરવામાં આવશે અને અલગ અલગ જગ્યાઓ પર વોચ ટાવર ગોઠવીને રથયાત્રામાં દર્શન માટે આવતા ભક્તોની સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અધિકારી કર્મચારીઓ સતત કામગીરી કરશે.
21 કિમીનો રૂટ વાહનો માટે બંધ : રથયાત્રાના દિવસે શહેરમાં 21 કિલોમીટરનો રૂટ વાહનોની અવરજવર માટે બંધ હોય છે, તેવામાં વાહનચાલકોને હાલાકી ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જેમાં જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરથી લઈને રથયાત્રાના સમગ્ર રોડ પર ડાયવર્ઝન આપવામાં આવતા હોય છે. સાથે જ જગન્નાથ મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગુજરાતના મુખ્યપ્રધાન પધારતા હોય તેઓના આવન જાવન માટે પણ ખાસ કામગીરી ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. સાથે જ રથયાત્રામાં હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આવતા હોય તેઓના વાહનના પાર્કિંગને લઈને પણ પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો માટે પણ વાહનો પાર્ક કરવાની અલાયદી વ્યવસ્થા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે.
નિરીક્ષણ કરીને જરૂરી ફેરફારો :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પર ખાસ નિરીક્ષણ કરીને જરૂરી ફેરફારો અને સુધારા વધારા કરવામાં આવ્યા હતા, પરંતુ અમદાવાદ શહેરમાં નીકળનારી રથયાત્રા હેરિટેજ રૂટ પરથી પણ પસાર થતી હોય અને તે હેરિટેજ રૂટ પર અનેક જર્જરીત મકાનો હોય જેથી શહેર પોલીસ દ્વારા શહેરીજનોને વિનંતી કરવામાં આવી છે કે, કોઈપણ વ્યક્તિ જર્જરીત મકાનો પર રથયાત્રા નિહાળવા માટે ન ચડે. સાથે જ કોઈપણ પ્રકારની અફવાઓમાં ધ્યાન ન આપે અને શહેર પોલીસને કામગીરીમાં અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ કરવામાં સહકાર આપવા વિનંતી કરી છે. તેમજ રથયાત્રામાં કોઈપણ પ્રકારે વિઘ્ન ન આવે તે માટે શહેર પોલીસ દ્વારા અમદાવાદ શહેરના લિસ્ટેડ ગુનેગારોને પકડીને જેલ હવાલે કરવાની કામગીરી પણ કરવામાં આવતી હોય છે.