પોષ માસની કડકડતી ઠંડીમાં તરોતાજા લીલાં શાકભાજીથી શરીરને મળતું પોષણ અત્યંત જરુરી હોય છે તેમ કહીને આરોગ્યશાસ્ત્ર શાકભાજીનો મહિમા કરે છે તેવી જ રીતે આપણાં ધર્મશાસ્ત્રના શાકંભરી નવરાત્રિમાં પણ શાકભાજીનો અનેરો મહિમા વ્યક્ત થાય છે. પોષ સુદ આઠમથી પૂનમ સુધી શાકભંરી નવરાત્રિની ઉજવણી દેશભરમાં અલગ અલગ સ્થળે અલગઅલગ વિધિવિધાનથી થાય છે પરંતુ તેમાં શાકભાજીના શણગારનું મહત્ત્વ એકસરખું જોવા મળે છે. લીલાં શાકભાજી, કંદમૂળ અને ફળફૂલનાં અધિષ્ઠાત્રી દેવી તે શાકંભરી કહેવાયાં છે.
શાકંભરી નવરાત્રિનો આજથી પ્રારંભ, જીવસૃષ્ટિ માટે અનોખું વરદાન દેતા માતાજી - શાકંભરી
અમદાવાદઃ આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિના વૈવિધ્ય સાથે મનુષ્યજીવન એવા ગાઢ તાંતણે વણાયેલું છે કે રોજબરોજના વપરાશની ચીજવસ્તુના મહાત્મ્યનું ગાન થાય તેવા વ્રતઉપવાસ થતાં જોવા મળે. આજથી શરુ થતી શાકંભરી નવરાત્રિ એવું જ મહત્ત્વ ચરિતાર્થ કરે છે.શાકંભરી નવરાત્રિના પુણ્યગાન વિશે આવો જાણીએ...
માર્કંડેયપુરાણમાં દુર્ગાસપ્તશતી તેમ જ શિવપુરાણની ઉમાસંહિતા, દેવી ભાગવત વગેરેમાં તેમનો ઉલ્લેખ, પ્રાગટ્યકથા અને સ્વરુપદર્શન આલેખાયાં છે. ટૂંકમાં પૃથ્વી પર દુકાળ પડે છે અને જીવસૃષ્ટિ ખાદ્યપદાર્થોથી વંચિત થાય છે ત્યારે ત્યારે મા મહાદેવી શાકંભરીની કરુણા સ્વરુપે વિવિધ પ્રકારના શાકભાજી અને કંદમૂળ, ફળફૂલ પ્રાપ્ત કરીને જીવન ટકી જતું હોય છે. આ કથાના મહિમા સ્વરુપે મા શાકંભરી સહિત મંદિરોમાં સ્થાપિત દેવદેવીને વિવિધ પ્રકારના શણગારના રુપમાં શાકભાજી ધરાવવામાં આવે છે.
શાકંભરી નવરાત્રિ ગુજરાત સહિત મુખ્યત્વે યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુમાં ખૂબ જ ભાવપૂર્વક ઉજવવામાં આવે છે. આ રાજ્યોમાં મા શાકંભરીની શક્તિપીઠો પણ સ્થાપિત થયેલી છે. નીલવર્ણા, કમળસમાન નેત્રવાળાં, ચતુર્ભૂજમાં કમળ, ધનુષ્ય, બાણ અને શાકભાજી ધારણ કરનારાં મહાદેવી શાકંભરી સ્વરુપે મનુષ્યોના પાપસંતાપ અને શોક હરનારાં હોવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે.