અમદાવાદઃઅમદાવાદ શહેરમાં યોજાનાર બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. સોમવારે સવારે આ અંગેની જાણકારી જે તે સંચાલકોએ મીડિયાને શેર કરી હતી. શહેરના જાણીતા બિલ્ડર ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકના ઇસ્કોન નજીકના નિવાસસ્થાને બાબા બાગેશ્વર વિશ્રામ માટે રોકાયા છે, ત્યારે અનિવાર્ય સંજોગો અને રવિવારે અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે કાર્યક્રમનું યોજનાબદ્ધ આયોજન ન કરી શકાતા અંતે 29 અને 30મીના રોજ યોજાયનાર દિવ્ય દરબારને રદ કરવામાં આવ્યો છે.
Baba Bageshwar In Gujarat: અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ્દ, ભાવિકોમાં નિરાશા - ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે પડેલા વરસાદને કારણે માઠી અસર થઈ છે. મેટ્રો રેલવેથી લઈને મહાનગરના વિસ્તારો સુધી પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી હતી. તો બીજી તરફ વરસાદના કારણે અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો હતો.
અન્ય મહાનગરમાં તૈયારીઓઃધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દસ દિવસના ગુજરાત પ્રવાસે હોય જેમાં અમદાવાદ વડોદરા, સુરત રાજકોટ સહિતના શહેરોમાં દિવ્ય દરબાર અને હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેવામાં અમદાવાદમાં યોજાનાર કાર્યક્રમ રદ થતા બાબાના ભક્તો નિરાશ થયા છે. જ્યારે વડોદરા અને રાજકોટમાં તૈયારીઓનો ધમધમાટ ચાલું થઈ ગયો છે.
બે દિવસનો કાર્યક્રમ હતોઃ મહત્વનું છે કે 29 અને 30 મે ના રોજ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં શક્તિ ચોકમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું લોકદરબાર આયોજન કરવામાં આવ્યું હતું, જો કે ત્યાં સ્થળ ખૂબ જ નાનું સ્થળ હોવાથી પોલીસ મંજૂરી મળી ન હતી. તેથી કાર્યક્રમનું સ્થળને બદલીને દિવ્ય દરબારનું સ્થળ નક્કી કરાયું હતું. રવિવારે અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા આગણજ ખાતે કાર્યક્રમ સ્થળ ઉપર કાર્યક્રમનું આયોજન નક્કી કર્યું હતું પણ એ ન કરી શકાતા અંતે દિવ્ય દરબારને રદ કરવામાં આવ્યો.
શું કહે છે આયોજકઃઆ અંગે દિવ્ય દરબારના આયોજન અમિત શર્માએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, સમય સંજોગો અને વરસાદના કારણે દિવ્ય દરબારને રદ કરવામાં આવ્યો છે. જોકે, વડોદરાના નવલખી મેદાન પર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તો રાજકોટના જુદા જુદા વિસ્તારમાં મોટા પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. અન્ય શહેરમાં તૈયારીઓ દિવસ રાત થઈ રહી છે. સમર્થકો એમની રાહ જોઈ રહ્યા છે.