અમદાવાદમાં કામની ચકાસણી કરવા ગયેલા મહિલા કોર્પોરેટર પર હુમલો થતા ચકચાર - શાહીબાગ પોલીસ સ્ટેશન
અમદાવાદ: રાજ્યના મેટ્રો સીટીસમાં ગુનાખોરીના પ્રમાણમાં વધારો થયો છે, ત્યારે શહેરમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અસારવા વિસ્તારના મહિલા કોર્પોરેટર સુમન રાજપુત પર એક શખ્સે હુમલો કર્યો હતો. આ બાબતે સુમન રાજપૂતને સામાન્ય ઇજા પણ પહોંચી હતી. જેની સુમન રાજપુતે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અમદાવાદમાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે, ત્યારે હવે આ બાબતે કોર્પોરેટરો પણ બાકી રહ્યા નથી. શહેરના અસારવા વિસ્તારના મહિલા કોર્પોરેટર સુમન રાજપુત ચમનપુરા નજીકા આવેલી એક ચાલીમાં કે જ્યાં પત્થર લગાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં ચકાસણી કરવા પહોંચ્યા હતા. જે બાદ પરત ફરતી વખતે લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા. જે દરમિયાન ભોલુ પટણી નામના શખ્સે અચાનક આવીને તેમના વાળ ખેંચી જમીન પર પટક્યા હતા. જેથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ હુમલામાં સુમન રાજપુતને સામાન્ય ઇજા પણ પહોંચી હતી. સુમન રાજપુતે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. આ મામલે પોલીસે શોધખોળ કરીને આરોપીની ધરપકડ કરી છે અને શા માટે હુમલો કર્યો છે તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.