કર્ણાવતી ક્લબ અમદાવાદ ખાતે અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મેયર બીજલબેન પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. સાથે સાથે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ભારતી આશ્રમના ભારતી બાપુ સહિત સંતો મહાત્માઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા અને અરુણ જેટલીને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે અરુણ જેટલીના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
અમદાવાદમાં સીએમની હાજરીમાં અરુણ જેટલીનો હૃદયાંજલી કાર્યક્રમ યોજાયો - અમદાવાદ
અમદાવાદ: પૂર્વ નાણાંમંત્રી સ્વ.અરુણ જેટલીના મૃત્યુ બાદ સમગ્ર દેશમાં લોકોએ તેમને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. ત્યારે અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે અરુણ જેટલીનો હૃદયાંજલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ પ્રસંગે પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અરુણ જેટલી એક દિગ્ગજ નેતા હતા અને તેમની જગ્યા કોઈ લઈ ન શકે. તેઓ ગુજરાતથી લોકસભાના સભ્ય હતા અને દરેક ચૂંટણીમાં તેઓ ગુજરાતનું નેતૃત્વ કરતા હતા અને તેમના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થયો છે. આપણે હંમેશા તેમની ખોટ પડશે. તેઓ એક ઉમદા વ્યક્તિ અને મજબૂત નેતા હતાં. ગુજરાત સાથે તેમનો નાતો જૂનો હતો. તેઓ હંમેશા અમારી સ્મૃતિમાં અમર રહેશે. અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપવા ગુજરાત ભાજપના નેતાઓ, સંતો, મહાત્માઓ, ઉદ્યોગપતિઓ, સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.