અમદાવાદ:અમદાવાદ સહિત દેશભરમાં આર્મી મેનના નામે છેતરપિંડી છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે. જોકે લોકો આ ઠગાઈનો શિકાર બનતા બચી શકતા નથી. કારણ કે તેઓને દેશની આર્મી અને આર્મીના જવાનો પ્રત્યે વિશ્વાસ હોય તેના કારણે તેઓ ઊંડું વિચાર્યા વિના જ તેઓની સાથે લેવડદેવડ કરી પોતાના પૈસા ગુમાવતા હોય છે. આવા જ પ્રકારના અનેક કિસ્સાઓ અમદાવાદ સાબર ક્રાઇમમાં અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે. જેમાં આર્મી મેન અથવા તો આર્મી ઓફિસર તરીકેની ઓળખ આપીને કોઈપણ વસ્તુ ખરીદવા કે વેચવાના નામે વિશ્વાસમાં કેળવી પૈસા પડાવવામાં આવ્યા હોય.
કેવી રીતે કરે છે ઠગાઈ?:ઓનલાઇન જૂની અથવા તો નવી વસ્તુઓ લે વેચ માટે અનેક મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઈટ હાલ ચાલી રહી છે. જેમાં ખાસ કરીને ઘરની ચીજ વસ્તુઓ જેમાં સોફા, ટીવી, ફ્રીજ, સાયકલ, ટુ-વ્હીલર, કાર કે અન્ય ચીજ વસ્તુઓ અથવા તો વિન્ટેજ એટલે કે વર્ષો જૂની વસ્તુઓ લોકો પોતાના પાસે હોય તો વેચવા માટે અને જે લોકોને જરૂર હોય તે ખરીદવા માટે તે એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય છે. જેમાં સૌથી વધુ ફ્રોડ કોઈ બાબતને લઈને થતા હોય તો તે આર્મી મેનના નામે થાય છે. જે આર્મીની ખુમારી તેનો શોર્ય અને તેના પર દેશની જનતાને ગર્વ છે તે જ આર્મીના કર્મચારી કે ઓફિસરના નામે લોકોના ખિસ્સા ખાલી કરે છે અને બેન્ક એકાઉન્ટ પણ સાફ કરી નાખે છે.
આર્મી મેનની ઓળખ આપી છેતરપિંડી: ખાસ કરીને આ પ્રકારની છેતરપિંડી આચરવા માટે ગઠિયાઓ એક આર્મી મેનના કોઈ પણ પોતાનો પ્રોફાઈલમાં ઉપયોગ કરતા હોય છે. જરૂર પડે તો બોગસ આઈકાર્ડ પણ બનાવી રાખે છે. જેમાં પોતાને કોઈ વસ્તુ ખરીદવી હોય અને જેને કોઈ વસ્તુ વેચવી હોય તેને સંપર્ક કરી વિશ્વાસ કેળવી આર્મીના નિયમો બતાવીને UPI થકી બેંકમાંથી પૈસાની ઉચાપત કરે છે.
એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર છેતરાયા:અમદાવાદ શહેરમાં હાલમાં જ એક આવા પ્રકારનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરને આર્મી મેન તરીકેની ઓળખ આપી 86 હજાર રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. વસ્ત્રાપુરમાં રહેતા અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત સંદીપકુમાર રાઠોડ એ પોતાની પાસેની સાયકલ વેચવા માટે ઓનલાઇન મૂકી હતી. તે જોઈને અનિલ સિંગ નામના વ્યક્તિએ તેઓને ફોન કરી પોતે આર્મીમાં જવાન તરીકે હોવાની ઓળખ આપી પોતે જમ્મુના પુલવામામાં ફરજ બજાવતો હોવાનું કહીને ભાવતાલ કર્યા બાદ 1500 રૂપિયામાં સાયકલ ખરીદવાનું નક્કી કર્યું હતું. અનિલ સિંઘે ફરિયાદીને પોતાની પત્ની નેહા અમદાવાદમાં આર્મી કંટ્રોલમેન્ટમાં રહેતી હોય સાંજે સાયકલ લઈ જશે અને તેવી વાત કરી હતી.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ: થોડીવારમાં આર્મી મેન તરીકેની ઓળખ આપનાર અનિલ સિંઘે પ્રોફેસરને ફોન કરીને પૈસા આર્મી કેમ્પમાંથી કોમ્પ્યુટર સિસ્ટમમાંથી ટ્રાન્સફર કરવાનું કહ્યું. PAYTM નો નંબર માંગી 10 રૂપિયાનું ટ્રાન્જેક્શન કર્યું હતું. જે બાદ અનિલ સિંઘે પ્રોફેસરના ખાતામાં 20 રૂપિયા જમા કર્યા હતા. જોકે બાદમાં પ્રોફેસરને 1500 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરાવી ત્રણ હજાર પાછા આપવાનું કહેતા પ્રોફેસરે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તેમ છતાં તેઓના ખાતામાં પૈસા આવ્યા ન હતા અને જે બાદ જુદા જુદા ટ્રાન્જેક્શનથી 86 હજાર રૂપિયા ઉપડી જતા સમગ્ર મામલે પ્રોફેસરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.