અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નરોડામાં અક્ષરધામ સોસાયટી ખાતે ધુળેટીના દિવસે સાંજના સમયે 13 જેટલા શખ્સોએ સોસાયટીમાં પ્રવેશીને એક યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવકના માતા-પિતા અને પરિવાર સાથે મારામારી કરી હતી. તેમજ ઘરની બહાર પડેલા વાહનો અને ક્લિનિકમાં પણ તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
શહેરમાં જોવા મળ્યો અસામાજીક તત્વોનો આતંક : આ સમગ્ર ધટના મામલે દિગ્વિજયસિંહ ગોહિલ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને નોંધાવ્યું કે, અક્ષરધામ સોસાયટી ખાતે તેઓ પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. 8મી માર્ચે ધૂળેટીના દિવસે તેઓ ઘરે હાજર હતા, તે સમયે સાંજે ચાર વાગ્યાની આસપાસ તેઓના ઘરની બહાર 10થી 12 જેટલા યુવકો પોતાના હાથમાં લાકડાના દંડા, તલવાર, પાઇપ અને છરી લઈને આવ્યા હતા. તમામ શખ્સો ગાળો બોલીને કહ્યું કે, ઋતુરાજ ક્યાં છે. આજે તેને જાનથી મારી નાખવો છે. આ બાબત અંગે ફરિયાદી દિગ્વિજયસિંહે પૂછતા અભિષેક ઉર્ફે શૂટર તેમજ તેની સાથેના ઋષભ તોમર, અનુ તોમર, કરણસિંહ રાજપુત સહિતના અન્ય ઈસમોએ ઉશ્કેરાઈને વાહનોમાં તોડફોડ શરૂ કરી હતી.