અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના દર્દીને આપવામાં આવતા રેમડેસિવીર ઇન્જેક્શનના કાળાબજાર કરી ઉંચી કિંમતે વેચી મારવાના કૌભાંડમાં નવો ઘટસ્ફોટ થયો છે. બાંગ્લાદેશથી શબ્બીર અહેમદ નામના શખ્સે રેમડેસિવીર ઈન્જેકશન ફલાઈટમાં ત્રિપુરાના અગરતલા એરપોર્ટ પર મોકલ્યા હતા.
અગરતલાની હોટલ ઝિંઝરમાં શબ્બીર અહેમદના માણસે સંદીપ માથુકિયાને ઇન્જેક્શનની ડિલિવરી આપી હતી. સંદીપ આ ઈન્જેકશન લઈ અગરતલાથી ફલાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. ઇન્જેકશનનું રૂ.25 લાખનું પેમેન્ટ બોપલની પી.એમ.આંગડિયા પેઢી થકી મોકલવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
રેમડેસિવીર ઇન્જેક્શન કૌભાંડમાં 8 લોકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ ઔષધ નિરીક્ષક આશિષ બસેટાએ ક્રાઈમ બ્રાન્ચમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ગેરકાયદેસર રીતે આયાત કરી કોઈ પણ પ્રકારના બિલ વગર તેનું ઉંચા ભાવે વેચાણ કરવા બદલ બાંગ્લાદેશના શબ્બીર સહીત સાત લોકો વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જેમા શબ્બીર અહેમદ ઉપરાંત મકરબાના સિદ્ધિવિનાયક બિઝનેસ ટાવરમાં નીલકંઠ પેઢીની ઓફીસના સંચાલકો પાર્થ બાબુલાલ ગોયાણી, તેની પત્ની વૈશાલી, મિત્ર શેખર રતિલાલ આદરોજા દર્શન સુરેશ સોની, પેઢીના કમિશન એજન્ટ સંદીપ ચંદુભાઈ માથુકિયા , યશ રાજેશ માથુકિયા અને શબ્બીર અહેમદના નામ છે.
તપાસમાં વિગતો સામે આવી હતી કે આરોપીઓએ બાંગ્લાદેશની બેકસીમકો ફાર્મા કંપનીના રેમડેસિવીર ઇન્જેક્શનની આયાતનું કોઈ પણ પ્રકારનું લાઈસન્સ ન હોવા છતા આયાત કર્યા હતા. આરોપીઓએ ગત 7 જુલાઈના રોજ રૂ. 8.28 લાખના 69 ઇજેક્શનનો મંગાવ્યા હતા. તેની રકમ બોપલના આમ્રપાલી મોલમાં આવેલી પી.એમ.આંગડિયા પેઢી થકી કોલકાતાની આંગડિયા પેઢીમાં શબ્બીરને મોકલી હતી.
ગત 12 જુલાઈના રોજ રૂ. 16.80 લાખના 140 ઇન્જેક્શનો મંગાવ્યા હતા. જેનું પેમેન્ટ પણ પી.એમ. આંગડિયા પેઢીમાંથી કોલકાતા આંગડિયા પેઢીમાં શબ્બીરને મોકલ્યું હતું. આમ બાંગ્લાદેશના ઉત્પાદકોની ખરાઈ કર્યા વગર ગેરકાયદેસર રીતે મંગાવેલા 209 રેમડેસિવીર ઇન્જેક્શનમાંથી આરોપીઓએ બિલ અને વેચાણની વિગતો રાખ્યા વગર 111 ઈન્જેકશન સુરત અને અમદાવાદમાં જુદા જુદા ડૉકટર અને દર્દીના સગાને વેચી માર્યા હતા જેથી કોરોના દર્દીઓની જિંદગી જોખમમાં મૂકાઈ હતી. પોલીસને આ સિવાય અન્ય દવાઓ પણ આયાત કરવામાં આવી હોવાની વિગતો મળી છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસે નીલકંઠ એલીક્સિર નામની ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદાર વૈશાલી પાર્થ ગોયાણી, દર્શન સોની, શેખર અદરોજા, પાર્થ ગોયાણી, સંદિપ માથુકિયા, યશકુમાર માથુકિયા, ઇન્જેક્શન આપનાર બાંગ્લાદેશના શબ્બીર અહેમદ સામે ગુનો નોંધ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આઇપીસી 34,120B, 308, 418 તથા ઔષધ અને સૌંદર્ય પ્રસાધન નિયમ કલમ 104A તથા ઔષધ ભાવ નિયમન આદેશ કલમ 26 તથા ઔષધ અને પ્રસાધનો સામગ્રી અધિનિયમ 18A, 18 (c), 18B, 28, 28A, 10(c),27,18 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.