અમદાવાદ : પ્રિન્સ કહે છે કે, ' સમરસ હોસ્ટેલમાં ઘણી સારી સુવિધા હતી, પરંતુ ખોટ હતી તો ઘરના વાતાવરણની છઠ્ઠી તારીખે જ્યારે મારો પ્રથમ ટેસ્ટ નેગેટિવ આવ્યો ત્યારથી જ એક પ્રકારની આતુરતા શરીરમાં વ્યાપી ગઈ કે હવે ઘરે જવાનું નિશ્ચિત છે.
...અને સમરસ હોસ્ટેલથી રાત્રે ૧૨ કલાકે એક એમ્બ્યુલન્સ વસ્ત્રાલ તરફ દોડી' - MOTHER DAY
પ્રિન્સ ચાવલા ૨૪ વર્ષનો યુવાન, રાજ્યના માહિતી ખાતામાં ફેલો સ્ટુડન્ટ તરીકે ફરજ બજાવે છે. ગત સપ્તાહે તેનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો બસ જાણે કે, પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેવી લાગણી પ્રિન્સના શરીરમાં વ્યાપી ગઇ. પ્રિન્સને અમદાવાદ શહેરની સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં નિયમિત સારવાર, ભોજન અને અન્ય સુવિધાઓ સાથે પ્રિન્સ સમય પસાર કરવા લાગ્યો. આ માસની છઠ્ઠી તારીખે તેનો ફરી ટેસ્ટ કરવામાં આવ્યો. તો પરિણામ નેગેટીવ આવ્યું. તેને પગલે પ્રિન્સમાં એક પ્રકારની ચેતનાનો સંચાર થયો.
રાત તો જેમ તેમ કરીને પસાર કરી સવાર પડતા જ સુરજના કિરણો રૂમમાં પ્રવેશ્યા અને પાછો મનમાં સંચાર થવા લાગ્યો. ક્યારે ઘરે જઈશું? તેવુ કરતા-કરતા રાતના દસ વાગ્યા મેં હોસ્પિટલના સમરસ હોસ્ટેલના ઇન્ચાર્જ આઈએએસ અધિકારી દિલીપ રાણાને સીધો ફોન કર્યો કે સાહેબ મારે ઘરે જવું છે. મારો જીવ મુંઝાય છે અને સાહેબે અત્યંત સંવેદનાથી સાંભળીને સીધી હોસ્પિટલમાં સુચના આપી અને તરત જ મારા માટે એક ખાસ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી. મને રાત્રે બાર વાગે ઘરે પહોંચાડવામાં આવ્યો. જો કે મને ઘરે જવાની ઉતાવળ એટલે પણ હતી કે એ દિવસે મારી મમ્મીનો જન્મદિવસ હતો અને હું ઈચ્છતો હતો કે જન્મદિવસે હું મમ્મી પાસે પહોંચુ અને મારી મમ્મી પણ એવું વિચારતી હતી કે આજે મારો prince મારી પાસે હોત તો કેવું સારું! અને ખરેખર તંત્રએ મને મારી મમ્મી પાસે મોકલ્યો. તંત્રનો ખુબ ઋણી છું.' તેવુ તેને ઉમેર્યુ.
યોગાનુયોગ માતૃ દિન પૂર્વે, માતાના જન્મદિને માતાના ખોળામાં પ્રિન્સે માથું મૂક્યુ અને વિમળા દેવી બોલ્યા, આવી ગયો બેટા? અને પ્રિન્સ ચોધાર આંસુએ રડી પડ્યો.