અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે જગન્નાથ મંદિરમાં વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી કરી હતી. તેમજ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. તેમજ બપોરે 3 વાગ્યે અમદાવાદના સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી, જેમાં અધુરા રહેલા વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં બેઠક :અમદાવાદ સર્કિટ હાઉસની બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ અન્ય વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તે અગાઉ અમિત શાહે તેમના જ મત વિસ્તારમાં કયા વિકાસના કામો અધુરા છે, તેની વિગતો મેળવીને અધિકારીઓને માર્ચ, 2024 સુધીમાં પુરા કરવા માટે જણાવ્યું છે.
રૂપિયા 5500 કરોડના વિકાસના કામ પેન્ડિંગ :સુત્રોમાંથી મળેલી જાણકારી મુજબ ગુજરાતના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં કુલ 16,500 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ થઈ ગયું છે. અને હવે રૂપિયા 5,500 કરોડના વિકાસના કામો અધુરા રહ્યા છે. આ તમામ વિકાસના કામ ઈન્ફ્રાસ્ટ્રચરને લગતા છે. જેથી લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આ અધુરા કામ પુરા કરવા માટેની પ્રોયારીટી નક્કી કરી છે.
મોદી સરકારના નવ વર્ષનો પ્રચાર :જાણવા મળ્યા મુજબ અમિત શાહે ગુજરાતમાં શું નવું કરી શકાય છે, તે માટે અધિકારીઓ પાસેથી સૂચનો પણ માંગ્યા હતા. મોદી સરકારના નવ વર્ષ વિકાસની યોજનાઓનો ગુજરાતમાં કેવો પ્રચાર થયો તે અંગે જાણકારી મેળવી હતી. તેમજ ભષ્ટ્રાચારીઓ સામે કડક હાથે કામ લેવાની વાત તેમણે કરી હતી.
અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરીને સહાય પહોંચતી કરવી :તાજેતરમાં ગુજરાત પરથી વાવાઝોડુ બિપરજોય પસાર થયું, તેમાં ઝીરો કેઝયુલિટી રહી તે માટે ગુજરાત સરકાર અને અધિકારીઓની ટીમ વર્કના વખાણ કર્યા હતા. તેમજ કચ્છ, પોરબંદર, જામનગરમાં જે નુકસાન થયું છે, તેનો ઝડપથી સર્વે કરીને યોગ્ય રીતે સહાય જાહેર કરવા પણ કહ્યું હતું.