અમદાવાદ:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. આજે અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અમિત શાહ દ્વારા ઔડાનાં 1700 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર તળાવો સહિત પિંક ટોઇલેટ, કોમ્યુનિટી હોલ, એમ.એસ.પાઇપલાઇન, ઉદ્યાન, ઓવરહેડ ટાંકી સહિતના વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું.
શું કહ્યું અમિત શાહે:
- CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કાર્યરત રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાની સમગ્ર ટીમે નાગરિકોને માગ્યા પહેલા જ સુવિધાઓ આપી છે. વિકાસના અભિગમની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે વિકાસ કાર્યોની ભેટમાં શહેરનો એક પણ વોર્ડ છૂટતો નથી. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જ છેલ્લા બાવન મહિનામાં ૧૭,૫૪૪ કરોડના ખર્ચે ૧૧,૦૦૦ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. એક કામ કરતા 50 વર્ષ લાગે એવા ચાર કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇની આગેવાનીમાં માત્ર ત્રણ મહિનામાં થયા.
- PM મોદીની આગેવાનીમાં G20 સમિટનું અભૂતપૂર્વ આયોજન વિશ્વ સ્તરે ખ્યાતિ પાત્ર બન્યું. જેમાં સર્વાનુમતે દિલ્હી ડેકલેરેશનની સ્વીકૃતિ સૌ ભારતીયો માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે, આફ્રિકન યુનિયનને G20 સંગઠનમાં સમાવી શ્રી નરેન્દ્રભાઇએ ભારત વિકસિત અને વિકસતા દેશોની સાથે છે તેવો સંદેશ વિશ્વને આપ્યો છે. G20નું આવું સફળ આયોજન અન્ય દેશો માટે એક ચેલેન્જ બની જશે.
- મિશન ચંદ્રયાનનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, ચંદ્રયાન પર તિરંગો લહેરાતો નિહાળવો એ આપણા સૌનું સૌભાગ્ય છે. ઈસરોને વિશ્વની શ્રેષ્ઠ અવકાશ સંસ્થા બનાવવાનો લક્ષ્ય શ્રી નરેન્દ્રભાઇએ રાખ્યો હોવાનું જણાવી તેમણે ઇસરોના કાયાપલટનો શ્રેય વડાપ્રધાનશ્રીને આપ્યો હતો.
- મહિલા અનામત બિલને લઈને અમિત શાહે જણાવ્યું કે માતૃશક્તિના સન્માનનું શ્રેષ્ઠ ઉદાહરણ નારી શક્તિ વંદના અધિનિયમ થકી આપ્યું છે. તેમણે કહ્યું કે આ કાયદાથી મહિલા શક્તિને નેતૃત્વમાં ભાગીદારી આપી મહિલા સન્માનના આપણા પ્રાચીન સંસ્કારોને કાયદાના વાઘા પહેરાવવામાં આવ્યા છે. નવી સંસદમાં પહેલું બિલ પસાર કરીને કેન્દ્ર સરકારે મહિલાઓનું સન્માન વધાર્યું છે. પીએમ વિશ્વકર્મા યોજનાની પ્રશંસા કરી અમિત શાહે કહ્યું કે, 20થી વધુ પ્રકારનું કામ કરતા કારીગરોને એક તાંતણે બાંધવાનું કામ આ યોજનાથી થયું. તેમણે કહ્યું કે, આઝાદી બાદ પહેલીવાર પરંપરાગત કામ કરતા કારીગરોને આ યોજનામાં સામેલ કરાયા છે. જેનાથી છેવાડાના માનવીઓને સમાનતાનો અહેસાસ થયો છે.
AMCની ટીમને એવોર્ડ: આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં AMCની ટીમને રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ પ્રોજેક્ટ માટે એવોર્ડ પ્રાપ્ત થવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં દેશમાં નગરો - મહાનગરોમાં નાગરિકોની 'ક્વોલિટી ઓફ લાઇફ' અને 'ઇઝ ઓફ લિવિંગ' વધે તેવા અનેકવિધ વિકાસકાર્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં લગભગ દર અઠવાડિયે અનેકવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થતું રહે છે.