જુનાગઢના અમિત જેઠવાએ ગીરમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે ઝુંબેશ શરુ કરી હતી. ખાસ કરીને ગીરના જંગલોમાં ગેરકાયદેસર ખાણકામ અંગે તેમણે મોટા માથાઓ સાથે શિંગડા ભેરવ્યા હતાં. અમિત જેઠવાની RTIના કારણે ભાજપના સાંસદ દિનુ બોઘા સોલંકીની સત્તા ડગમગી ગઈ હતી. અમિત જેઠવા નામના કાંટાને પોતાના રસ્તામાંથી કાઢવા ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને તેમના સાગરિતોએ હત્યાનું કાવતરુ રચ્યુ હતું. 20 જુલાઈ 2010નો દિવસ હતો. સાંજના સમયે ગુજરાત હાઈકોર્ટની સામે જ RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા પર ગોળીઓ વરસાવી તેમની હત્યા કરી દેવાઈ હતી.
ત્યારપછી આ કેસની તપાસ ગુજરાતની અમદાવાદ ડિટેકશન ઓફ ક્રાઈમ બ્રાન્ચે કરી હતી. પરંતુ પોલીસે તાપસમાં ઢીલ વર્તતા આરોપીઓ નિર્દોષ સાબિત થયા હતાં. તમામને ક્લિનચિટ મળી ગઈ હતી.જેથી અમિત જેઠવાના પિતા ભીખુભાઈ જેઠવાએ હાઈકોર્ટમાં કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કેસની ગંભીરતા નોંધી CBIને તપાસ સોંપી હતી. CBIએ આખા કેસની પૂનઃ તપાસ શરુ કરી હતી. 2013માં CBIએ ભાજપના ભુતપૂર્વ સાંસદ અને આ કેસનાં મુખ્ય આરોપી દિનુ સોલંકીની દિલ્હીથી ધરપકડ કરી હતી.
11 જુલાઈ 2019ના દિવસે CBI કોર્ટના સ્પેશિયલ જ્જ કે.એમ.દવેએ દિનુ સોલંકી ઉપરાંત અન્ય આરોપીઓ શૈલેષ પંડયા, ઉદાજી ઠાકોર, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ , શિવા પચાણને આજીવન કેદની સજા ફટકારી છે. ઉપરાંત દંડ પણ ફટકાર્યો છે. તેમાંથી 11 લાખ અમિત જેઠવાના પરિવારજનોને અપાશે. આ 11 લાખમાંથી 5 લાખ અમિત જેઠવાની પત્ની અને 3-3 લાખ તેના બે સંતાનોને અપાશે. જેમાં શૈલેષ પંડ્યાને આર્મ્સ એક્ટમાં આજીવન સજા અને 10 લાખનો દંડ, ઉદાજી ઠાકોરને 25,000નો દંડ, શિવા પચાણને 8 લાખનો દંડ તેમજ 302, 120-Bમાં સજા, શિવા સોલંકીને 15 લાખ દંડ, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ)ને 302, 120-Bમાં સજા અને 10 લાખનો દંડ, સંજય ચૌહાણને 1 લાખનો દંડ અને દિનુ બોઘા સોલંકીને 15 લાખ દંડ કરાયો છે.