અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન ભૂતો ન ભવિષ્યતી કહી શકાય તે પ્રકારનું વ્યક્તિગત સ્તરે નાણાકીય દાન કરવામાં આવ્યું છે. નડિયાદના પીજ ગામના વતની ઉર્વશીબહેનની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે તેમના ભાઈ નરેન્દ્રએ અમેરિકાથી આવીને સિવિલ હોસ્પિટલમાં રૂપિયા 75 લાખનું ઐતિહાસિક દાન કર્યું છે.
દાન કરજો:નરેન્દ્રભાઇનાં બહેન ઉર્વશીબહેન બીમાર રહેતાં હતાં અને તેમને મૃત્યુ નજીક હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો ત્યારે તેઓએ વસિયત નામામાં લખાવ્યું હતું કે મિલકતનો મંદિરમાં નહિ પરંતુ સીધી રીતે લોકઉપયોગી થઈ શકાય તે પ્રકારે દાન કરજો. આપણી સંસ્કૃતિમાં ભાઈ બહેનને તમામ પ્રકારની સમસ્યાઓ, તકલીફ સામે રક્ષણ આપવા ઉપરાંત તેની ઇચ્છાઓ પૂરી કરવા પ્રયાસો કરતા જોવા મળે છે. પીજ ગામના આ નરેન્દ્રભાઈએ પોતાની બહેનની અંતિમ ઇચ્છાને પૂરી કરવા એક ઉમદા પગલું ભર્યું અને આજે સિવિલ હોસ્પિટલમાં લોકઉપયોગી થવાના શુભ આશયથી રૂપિયા 75 લાખનું દાન કર્યું છે. 75 લાખના દાનને સિવિલ હોસ્પિટલમાં વ્યક્તિગત સ્તરે કરવામાં આવેલ અત્યાર સુધીનું સંભવિત સૌથી મોટું દાન માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો હત્યારી માતાની CCTVમાં ખુલી પોલ, 2 માસની દીકરીને ત્રીજા માળેથી ફેકી દીધી
કાયમ પગભર:આ અંગે નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મારા બહેન ઉર્વશીએ જીવનપર્યંત જનઉપયોગી કાર્યો જ કર્યાં છે. તેમણે પાઇ પાઇ ભેગી કરીને ઘર પરિવારનું ગુજરાન ચલાવ્યું છે. તેઓ સાડીની દુકાન ચલાવતાં હતાં. તેઓ જીવનભર આત્મનિર્ભરતાની વિચારધારાનું પાલન કરીને કાયમ પગભર જ રહ્યા હતા. ગયા વર્ષે બીમારીના કારણે જાન્યુઆરી મહિનામાં જ તેમનું નિધન થયું હતું. જિંદગીના છેલ્લા દિવસોમાં તેમણે આ લોકકલ્યાણનું કાર્ય કરવા દાન કરવાની અંતિમ ઇચ્છા પોતાના વિલમાં દર્શાવી હતી. જે અમેરિકાથી આવીને પૂર્ણ કર્યા બાદ અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ.સિવિલ હોસ્પિટલની સેવાકીય કાર્યો વિશે અમને અવારનવાર જાણ થતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં જરૂરી સાધન સામગ્રી, ઉપકરણો, વોર્ડમાં જરૂરી સેવાઓ ઉપલ્બધ બને તેવા ઉમદા હેતુથી અમે આ દાન કર્યું છે.
આ પણ વાંચો સુરતમાં ઉર્દૂ પ્રાથમિક શાળા અને સિવિલના નર્સિંગ સ્ટાફે સ્વ. હીરાબા મોદીને આપી શ્રદ્ધાંજલિ
સિવિલ સુપ્રીટેન્ડટ:સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હરહંમેશથી દાનની સરવાણી વહેતી રહી છે. પરંતુ અમારા ધ્યાન મુજબ નરેન્દ્રભાઈના હસ્તે કરવામાં આવેલ રૂપિયા 75 લાખનું દાન વ્યક્તિગત સ્તરે સૌથી મોટું દાન છે. ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો સારવાર માટે સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલને પ્રાથમિકતા આપતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલને તમામ પ્રકારની સુવિધાઓ, જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. સમાજ અને સરકારના સહયોગથી સિવિલ હોસ્પિટલનાં સેવાકીય કાર્યોનો રથ અવિરતપણે આગળ ધપી રહ્યો છે. સમગ્ર સિવિલ હોસ્પિટલ તંત્ર નરેન્દ્રભાઈનો અને સદગત ઉર્વશીબહેનનો આ મહાદાન બદલ આભાર માનીએ છીએ.