ગુજરાત

gujarat

ETV Bharat / state

AMC White Topping Road : અમદાવાદીઓને મળશે તૂટેલા રોડમાંથી છુટકારો, 43 જગ્યાએ બનશે વ્હાઈટ ટોપિંગ રોડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં અમદાવાદ શહેરના 43 જેટલા સ્થળે અંદાજિત 80 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે. AMC દ્વારા આ પહેલા પણ ગુરુકુળ અને બાપુનગર સહિતના વિસ્તારમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે.

AMC White Topping Road
AMC White Topping Road

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 2:54 PM IST

અમદાવાદીઓને મળશે તૂટેલા રોડમાંથી છુટકારો

અમદાવાદ : અમદાવાદ શહેરની અંદર ચોમાસાની ઋતુમાં મોટાભાગના રોડ તૂટી જવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં બેંગ્લોરની પદ્ધતિથી વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી સૌથી પહેલા ગુરુકુળ વિસ્તારમાં વ્હાઈટ ટોપિંગ રોડ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની અલગ અલગ 43 જગ્યા ઉપર આ જ પ્રકારના વ્હાઈટ ટોપિંગ રોડ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વ્હાઈટ ટોપિંગ રોડ : આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં રોડ તૂટવાની ઘટના ન બને તે માટે અત્યંત આધુનિક અને બેંગ્લોરની પદ્ધતિથી વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવે છે. જેનો સૌથી પહેલો રોડ ગુરુકુળ વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની 43 જગ્યા ઉપર અંદાજિત 80 કરોડથી પણ વધારે ખર્ચે વ્હાઈટ ટોપિંગ રોડ તૈયાર કરવામાં આવશે. જેથી આગામી 20 વર્ષ સુધી રોડ તૂટવાની ઘટના બનશે નહીં.

પશ્ચિમ ઝોનના વિસ્તાર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં વ્હાઈટ ટોપિંગ રોડ તૈયાર કરવામાં આવશે. જેમાં વાસણા ખાતે એપીએમસી જંક્શનથી વૈશાલી ટાવર, ચાંદખેડા ખાતે માનસરોવર રોડ, સાબરમતી ખાતે ચકલી ફુવારાથી ટોરેન્ટ પાવર હાઉસ, સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ ખાતે આવેલ સાગર કોમ્પલેક્ષથી નાબાર્ડ બેંક સુધી અને સ્વાગત એપાર્ટમેન્ટથી સ્વામિનારાયણ મંદિર રોડ સુધી, નવા વાડજ ખાતે જોઈતારામ પટેલ કોમ્યુનિટી હોલથી પ્રયાગ એપાર્ટમેન્ટ, અખબાર સર્કલ માનસી હોસ્પિટલથી વિજય રેલવે ક્રોસિંગ, નારણપુરા લાડલી ત્રણ રસ્તાથી પ્રગતિનગર ચાર રસ્તા, વરદાન ટાવરથી નીયો ચિલ્ડ્રન હોસ્પિટલ, પાલડી કૃપા સાગર ત્રણ રસ્તા સાથે જૈન સુપર માર્કેટ, વાસણા ખાતે જીવરાજ મહેતા હોસ્પિટલથી મલાવ તળાવ સુધી, મીઠાખળી છ રસ્તાથી ગિરીશ કોલ્ડ્રીંક, નવરંગપુરા ચાર રસ્તાથી હેવમોર મલ્ટી લેવલ પાર્કિંગ સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે.

મનપાના અધિકારીઓ દ્વારા બેંગ્લોર જઈને ત્યાંના રોડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે બેંગ્લોરની પદ્ધતિથી અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે. જે ડામરના રોડની સરખામણીએ વધુ ટકાઉ અને મજબૂત છે. -- દેવાંગ દાણી (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, AMC)

દક્ષિણ પશ્ચિમ ઝોનના વિસ્તાર : આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં વ્હાઈટ ટોપિંગ રોડ તૈયાર કરવામાં આવશે. જેમાં જોધપુરના ઓમકારેશ્વર મંદિરથી સૈનિક પેટ્રોલ પંપ, મકતમપુરા ખાતે આવેલ શ્રેયસ કોમ્પલેક્ષથી ટોરેન્ટ પાવરથી સોનલ ત્રણ રસ્તા, જોધપુર ખાતે આવેલ રાહુલ ટાવરથી સ્ટાર બજાર, જીવરાજ પાર્કથી મલાવ તળાવ, સરખેજ જલારામ પરોઠા હાઉસથી રમાડા હોટલ સુધી વાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે.

ઉત્તર પશ્ચિમ ઝોનના વિસ્તાર : આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ઝોનની વાત કરવામાં આવે તો ચાંદલોડિયાના ચેનપુર ફાટકથી ગોદરેજ ગાર્ડન સિટી ચાર રસ્તા, ગાયત્રી ગરનાળાથી ચાંદલોડિયા લેક, ચાંદલોડિયા બ્રિજથી સર્વિસ રોડ સુધી, ઘાટલોડીયાના ભૂયંગદેવ ચાર રસ્તાથી સન એન્ડ સ્ટેપ સુધી, ઘાટલોડિયાના ગોપાલ ફ્લેટથી ત્રિપદા સ્કૂલ સુધી, બોડકદેવ અતિથિ ચાર રસ્તાથી સેન્ચ્યુરી ટાવર સુધી, અનુષ્ઠાન બંગલોથી માનવ રેસીડેન્સી, થલતેજના કોર્નર સોમેશ્વર પાર્કથી દૂરદર્શન ટાવર સુધી વ્હાઈટ ટોપિંગ રોડ તૈયાર કરવામાં આવશે. જેના કારણે હવે આ વિસ્તારોમાં ચોમાસામાં રોડ તૂટવાની સમસ્યાથી સ્થાનિક લોકોને છૂટકારો મળશે.

ડામરની સરખામણીએ મજબૂત રોડ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ અધિકારીઓ દ્વારા બેંગ્લોરમાં તૈયાર કરવામાં આવેલા આ રોડનું નિરીક્ષણ બેંગ્લોર ખાતે જઈને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પદ્ધતિને અમદાવાદમાં લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં સૌથી પહેલા ગુરુકુળ રોડ પર અંદાજિત બે કિલોમીટર જેટલો વ્હાઈટ ટોપિંગ રોડ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આ રોડ ડામરની સરખામણીએ મોંઘો સાબિત થઈ રહ્યો છે. પરંતુ ડામરની સરખામણીએ વધારે ટકાઉ અને મજબૂત રોડ હોવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર રોડ બનાવવામાંથી છુટકારો મળશે.

  1. AMC NEWS: ઘાટલોડિયામાં બે નવી પાણીની ટાંકી બનશે, 60 હજાર લોકોને મળશે લાભ
  2. Ahmedabad News: અમદાવાદ શહેરમાં નવી 11 ટીપી સ્કીમને મંજૂરી આપવામાં આવી

ABOUT THE AUTHOR

...view details