અમદાવાદ : AMCમાં કરવામાં આવેલી RTIમાં જાણવા મળ્યું કે, શહેરમાં ડેન્ગ્યુ-મલેરિયા જેવા ઉપદ્રવને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત 4 વર્ષમાં 75.50 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે વસૂલાત પેટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે રૂપિયા 3.88 કરોડનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે.
ડેન્ગ્યુ, સાદા મલેરિયા, ઝેરી મલેરિયા અને ચિકન ગુનિયામાં ગત 4 વર્ષમાં 42 લોકોના મોત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જાહેર માહિતી અધિનિયમ-2005 હેઠળ એક અરજી કરી હતી. જેમાં અરજદારે 5 મુદ્દાને સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસે માહિતી માગી હતી. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં ડેન્ગ્યુ, સાદા મલેરિયા અને ઝેરી મલેરિયા, ચિકન ગુનિયા અને ફાલસીપારમના કેટલા કેસ નોંધાયા તેની માહિતી માંગવામાં આવી હતી. આ રીતે ગત 4 વર્ષમાં મળીને કુલ ખર્ચ 75 કરોડ 50 લાખ 70 હજાર 787 રૂપિયા થયો હોવાનો ખુલાસો આ RTIમાં થયો છે.
રોગ અટકાવવા AMCએ ગત 4 વર્ષમાં 75 કરોડનો ખર્ચ કર્યો આ અંતર્ગત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, અમદાવાદના 80 લાખ નાગરિકો માટે સરકાર ચોખ્ખું પાણી પણ મળતું નથી. 24 ટકા અમદાવાદમાં પીવાનું પાણી જ મળતું નથી. દર વર્ષે મોટી જાહેરાત સરકાર કરે છે, પરંતુ ચિકન ગુનિયાના, ડેન્ગ્યુને નાથવામાં સરકાર નિષ્ફળ ગઈ છે તે સ્પષ્ટ છે. 75.50 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કર્યો છે, પરંતુ પરિણામ શૂન્ય છે. આજે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઇ રહ્યા છે, હેલ્થ સેન્ટર તો ફક્ત દેખાવ માટે છે. મચ્છરનો ઉપદ્રવ છે, તો પણ ફક્ત સરકાર માત્ર જાહેરાત કરવામાં વ્યસ્ત છે. આ સરકારે શહેરીજનોને ભગવાન ભરોસે છોડી દીધા છે. સ્વાસ્થ્યમાં પણ ભ્રષ્ટાચાર થાય છે, તે RTI પરથી ખબર પડે છે.
મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, કૌભાંડ અને કમલમની ગતિ બન્ને સાથે ચાલે છે. આરોગ્ય જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં પણ સરકાર નિષ્ફળ રહી છે. વાડીલાલ હોસ્પિટલને તાળી મારવાનું કામ પણ સરકારે કર્યું છે. વાડીલાલ હોસ્પિટલ સામાન્ય અને માધ્યમ વર્ગ માટે આશીર્વાદ રૂપ હતી, પરંતું કોર્પોરેટ હોસ્પિટલમાં વધારો કરી સરકારે પોતાનો ધંધો વિકસાવ્યો છે. ભાજપના શાસકો જે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે, આજે અર્બન હેલ્થ સેન્ટર શોભાના ગાંઠિયા કેમ બની ગયા છે, ભાજપે તેનો જવાબ આપવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે, માહિતી અધિકાર અધિનિયમ 2005 (RTI)એ ભારતીય સંસદનો કાયદો છે. તે ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ નાગરિકો માટે માહિતી મેળવવાના અધિકારના વાસ્તવિક વહીવટની સ્થાપના કરવા માટે માહિતીની સ્વતંત્રતાના કાયદાનું અમલીકરણ છે. આ કાયદો ભારતનાં બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડે છે.
આ કાયદાની જોગવાઇઓ હેઠળ, કોઇ પણ નાગરિક જાહેર સત્તાધિકારી (સરકાર અથવા રાજ્યોના સાધનરૂપ તરીકે કામ કરનાર સંસ્થા) પાસેથી માહિતીની માગ કરી શકશે અને તેમને ઝડપથી અથવા 30 દિવસના સમયગાળામાં તેનો જવાબ આપવો જરૂરી છે. આ કાયદા અનુસાર પ્રત્યેક જાહેર સત્તાધિકારીએ ખૂબ જ વિસ્તૃત રીતે તેમની માહિતીને કોમ્પ્યુટરાઇઝ કરવી પડે છે અને કેટલીક ચોક્કસ પ્રકારની માહિતીને સક્રિય રીતે જાહેર કરવી પડે છે, કે જેથી નાગરિકને માહિતીની વિનંતી કરતી વખતે લઘુત્તમ સ્રોતની જરૂરિયાત ઊભી થાય.
15મી જૂન, 2005ના રોજ RTI એક્ટ પસાર કરવામાં આવ્યો હતો અને 12મી ઓક્ટોબર, 2005ના રોજ સંપૂર્ણ રીતે RTI એક્ટ અમલમાં આવ્યો હતો. ભારતમાં અત્યાર સુધી ઓફિશિયલ સિક્રેટ એક્ટ, 1923 અને અન્ય વિશેષ કાયદાઓ પ્રમાણે માહિતી જાહેર કરવા પર પ્રતિબંધો હતો તે નવા આરટીઆઇ(RTI) એક્ટ આવતા હળવા થયા છે.