ગુજરાત

gujarat

ETV Bharat / state

Ambaji Temple: એવું શક્તિપીઠ જ્યાં પ્રસાદ લઈને થયો છે વિવાદ - અંબાજીમાં વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ

ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ વધુ વકર્યો છે. મોહનથાળનો પ્રસાદ બંધ થયા પછી ભારે વિરોધનો વંટોળ ઊભો થયો છે. આજે અગિયારમો દિવસ છે, છતાં અંબાજી મંદિરના સત્તાવાળાના પેટનું પાણી હલતું નથી. ને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી આ વાત પહોંચી છે. ઈ ટીવી ભારતનો સ્પેશિયલ રિપોર્ટ.

Ambaji Temple: અંબાજીના સત્તાવાળાના પેટનું પાણી નથી હલતું, પ્રસાદનો વિવાદ વિધાનસભાથી PM મોદી સુધી પહોંચ્યો
Ambaji Temple: અંબાજીના સત્તાવાળાના પેટનું પાણી નથી હલતું, પ્રસાદનો વિવાદ વિધાનસભાથી PM મોદી સુધી પહોંચ્યો

By

Published : Mar 13, 2023, 6:16 PM IST

અંબાજીઃઅંબાજી મંદિરમાં વર્ષોથી માતાજીને મોહનથાળનો પ્રસાદ ધરાવાય છે અને માઈભક્તોને પણ આ પ્રસાદ અપાય છે. કોણ જાણે શું થયું કે, રાતોરાત મોહનથાળનો પ્રસાદ બનાવવાનું બંધ કરી દીધું હતું. સીંગની ચીકીનો પ્રસાદ આવી ગયો. માઈભક્તોએ ભારે વિરોધ નોંધાવ્યો છે છતાં મંદિર સત્તાવાળા કંઈ કહેવા તૈયાર નથી.

આ પણ વાંચોઃAmbaji Temple: અનોખું શક્તિપીઠ, જ્યાં મોદીથી લઈ બીગ બી સુધીના મહાનુભાવો કરી ચૂક્યા છે દર્શન, જાણો વિશેષ મહિમા

હિન્દુ સંગઠનનો ભારે વિરોધઃવિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કૉંગ્રેસ અને સ્થાનિક માઈભક્તોએ મોહનથાળના પ્રસાદનો વિરોધ કર્યો છે. અંબાજી મંદિરમાં દરરોજ ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે. અને વિનામૂલ્યે મોહનથાળનો પ્રસાદ વહેંચાઈ રહ્યો છે. માઈભક્તોની પણ ઈચ્છી રહ્યા છે કે, માતાજીને મોહનથાળનો પ્રસાદ જ હોવો જોઈએ. વર્ષોની પરંપરાને તોડવાની જરૂર નથી.

મહારાજે કર્યું ટ્વિટ

જિલ્લા કલેક્ટર આમ કહી રહ્યા છેઃઅંબાજી મંદિર વ્યવસ્થાપન સમિતિના ચેરમેન અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, અમને ઘણી બધી રજૂઆતો મળી હતી કે, ઉપવાસ હોય ત્યારે પ્રસાદ આરોગી શકાય તેવો પ્રસાદ હોવો જોઈએ. ખાસ કરીને પૂનમ હોય અને પૂનમના દિવસે ઉપવાસ હોય ત્યારે ભક્તો પ્રસાદ આરોગી શકે અને નવરાત્રિ દરમિયાન ઉપવાસ હોય ત્યારે ભકત પ્રસાદ આરોગી શકે તેવો પ્રસાદ હોવો જોઈએ. આથી ચીકી પ્રસાદ તમામ ઉપવાસમાં લઈ શકાય છે. મોહનથાળનો પ્રસાદ ઉપવાસમાં આરોગી શકાતો નથી. બીજૂ સુકો પ્રસાદ ચીકી છે. તેની સેલ્ફ લાઈફ લાંબી હોય છે, અને તે વિશ્વભરના માઈભક્તો સુધી પહોંચાડી શકાય છે. માટે ભક્તોની લાગણીને માન આપીને અમોએ આવો નિર્ણય લીધો છે. દેશના બીજા મંદિરોમાં પણ આવી પહેલ કરવામાં આવી છે.

ભાજપ અંબાજી શહેરના ઉપપ્રમુખ અને કાર્યકર્તાના રાજીનામાઃમોહનથાળનો પ્રસાદ બંધ થતાં રાજકીય ક્ષેત્રે પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભાજપ અંબાજી શહેરના ઉપપ્રમુખ સુનિલ બહ્મભટ્ટે રાજીનામું ધરી દીધું હતું. તેમ જ તેમની પાછળ ભાજપના કાર્યકર્તાઓએ રાજીનામાં આપ્યા હતા. અંબાજી શહેર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ સુનિલભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, મા અંબેના ચાચરચોક અને માના શિખરની સાક્ષીએ કહુ છું કે, મેં ભાજપના ઉપપ્રમુખ પદેથી અને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થયો તેને 8 દિવસ થયાં છતાં પણ સત્તાવાળાઓ દ્વારા કોઈ નિવેદન આવ્યું નથી. જેથી માઈભક્તોની લાગણી દુભાઈ છે અને ભક્તોને છેતરવાનું બંધ કરે. હું ખૂબ દુઃખી છું અને આથી હું ભાજપના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યો છું.

પ્રસાદનો વિવાદ વિધાનસભામાં પહોંચ્યોઃઅંબાજીમાં મોહનથાળના પ્રસાદનો વિરોધ એ અંબાજી મંદિર પુરતો રહ્યો નથી. ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દો ઉછળ્યો હતો. કૉંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં મોહનથાળ લઈને આવ્યા હતા. ને વિધાનસભાની બહાર નીકળીને ભારે વિરોધ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે.

કૉંગ્રેસે જોરદાર વિરોધ કર્યો છેઃગુજરાત વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, હિન્દુ અને હિન્દુત્વના નામે મત લીધા અને હવે આ ભાજપ સરકાર ભક્તોની આસ્થા સાથે રમત રમી રહી છે. અંબાજીમાં દેશ અને દુનિયાના લોકો દર્શનાર્થે આવે છે અને મા અંબા આગળ શિશ ઝૂકાવે છે. તેમ જ ભક્તો ચોખ્ખા ઘીને મોહનથાળનો પ્રસાદ આરોગીને ધન્ય બને છે, પરંતુ સરકારને શું સુઝ્યું કે, મોહનથાળનો પ્રસાદ બદલીને ચીકીનો પ્રસાદ કરી દેવામાં આવ્યો હતો. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, જે રીતે દેશના એરપોર્ટ અન રેલવે સ્ટેશનો એક સંસ્થા ને અથવા તો મિત્રોને પધરાવી દીધા છે. તેવી જ રીતે મોહનથાળને બદલે ચીકીનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રેક્ટ મિત્રની કંપનીને આપ્યો તો નથી ને?

કૉંગ્રેસની ચીમકી- મોહનથાળનો પ્રસાદ શરૂ કરો નહીં તો ઉગ્ર વિરોધ થશેઃકૉંગી નેતા અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી હતી કે, ભારત સહિત વિશ્વના કરોડો શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને દુઃખ થયું છે. વર્ષો જે પ્રસાદ મળતો હતો તે બંધ કરવાનું કારણ શું? ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડમાં રજૂઆત કરી હતી. તે મોહનથાળનો પ્રસાદ બંધ ન થવો જોઈએ. અને જો સરકાર મોહનથાળનો પ્રસાદ શરૂ નહી કરે તો કોંગ્રેસ આગામી સમયમાં ઊગ્ર વિરોધ કરશે.

ગુજરાત સરકાર પણ કહી રહી છે કે ચીકીનો જ પ્રસાદ મળશેઃબીજી તરફ ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે સ્પષ્ટ જણાવી દીધું હતું કે, મંદિર ટ્રસ્ટ દ્વારા હવે ચીકીનો જ પ્રસાદ અપાશે. આ નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. આ ચીકીનો પ્રસાદ ત્રણ મહિના સુધી બગડશે નહી. આ ચીકીનો પ્રાસદ સુકામેવા, માવો અને સિંગથી બનેલો પ્રસાદ છે. બજારમાં સીંગની ચીકી મળે છે તેવી ચીકી નથી. હાલના સમયમાં દેશવિદેશના ભક્તો ઑનલાઈન પ્રસાદ મંગાવી શકે તેવી પણ વ્યવસ્થા અંબાજી મંદિર ટ્રસ્ટે કરી છે. જેથી હવે અંબાજીમાં ચીકીનો પ્રસાદ અપાશે.

દાંતા સ્ટેટના રાજવી મહારાજે પીએમ મોદીને ટ્વીટ કર્યુંઃઅંબાજીના મોહનથાળના પ્રસાદ બંધ થતાં દાંતા સ્ટેટના રાજવી મહારાજ પરમવીર સિંહે ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે, હવે આપને હસ્તક્ષેપ કરવો જરૂરી છે. તેમનું ટ્વીટ અક્ષરસહઃ આ પ્રમાણે છે. સમ્માનીય વડાપ્રધાન સાહેબ, જય માતાજી સાથે વિનંતી કે અંબાજી શક્તિપીઠ દુનિયામાં જગવિખ્યાત છે અને ત્યાં મળતો મોહનથાળ પણ 900 વર્ષ અગાઉથી આસ્થા સાથે જોડાયેલ છે તે બંધ કરવો તે યોગ્ય ન હોય આપે હવે હસ્તક્ષેપ કરવો જરૂરી છે. કારણ કે ભક્તોની આસ્થા હવે ખૂટે છે.

આ પણ વાંચોઃAmbaji Temple: ભક્તોએ ચિકીના પ્રસાદથી જ માનવો પડશે સંતોષ, ETV Bharatના પ્રશ્નના જવાબમાં પ્રવક્તા પ્રધાનની સ્પષ્ટતા

બન્ને પ્રસાદ રાખો અને ભક્તોને ચોઈસ આપોઃ માઈભક્તોઅંબાજી મંદિરમાં આવતા માઈ ભક્તો અંબાજી મંદિરની બહારથી પ્રસાદ લાવીને માતાજીને ધરાવી રહ્યા છે. ને મંદિર ટ્રસ્ટ દ્વારા વહેંચાતો ચીકીનો પ્રસાદ લેતા નથી. જોકે, બીજી વ્યવસ્થા ન હોવાથી કેટલાક માઈભક્તો ચીકીને પ્રસાદ ખરીદવાની ફરજ પડી રહી છે. માતાજીના દર્શન કરવા આવ્યા હોઈ અને પ્રસાદ ન લઈએ તો કેવું? એવું સમજીને ચીકીનો પ્રસાદ લઈ રહ્યા છે. કેટલાક માઈ ભક્તોનું કહેવું હતું કે મોહનથાળ અને ચીકી બન્નેનો પ્રસાદ રાખો, ભક્તોને જ પ્રસાદ લેવો હશે તે લેશે.

ABOUT THE AUTHOR

...view details