અમદાવાદ : અમદાવાદ શહેેર એ રાજ્યનું સૌથી મોટું શહેર છે, ત્યારે શહેરની અંદર એર પોલ્યુશન ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી આવતું હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં જણાવ્યું હતું કે, જો શહેરનું પોલ્યુશન ઘટાડવા માંગતા હોય તો એર પોલ્યુશન ઓછી કરવાની જરૂરી કાર્યવાહી કરવી જોઈએ જે કરવામાં આવી નથી.
કરોડોનો ખર્ચ છતાં કોઈ સુધારો નહીં :વિપક્ષ નેતા શહેઝાદ ખાનને જણાવ્યું હતું કે, ભાજપના સરકારના હવા શુદ્ધ કરવાના નામે રૂપિયા 21.75 કરોડની રકમ રોડ બનાવવા, સ્મશાનમાં સુવિધાઓ ઉભી કરવા તેમજ વહીવટી ખર્ચ કરવા માટેનો ખર્ચ કરવાની મંજુરી આપવા બાબતનું કામ મુકવામાં આવ્યું છે. તાજેતરમાં 41 કરોડનું કામ રોડ બનાવવા માટે મંજુર કરવામાં આવ્યા હતા. તે કામમાં પણ વોલ ટુ વોલ રોડ નયા એન્ડ ટુ એન્ડ રોડ બનાવવા જેવા કામો સામેલ જ હોય છે.
શહેરમાં શુદ્ધ હવા માટે : વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપના સત્તાધીશો અમદાવાદ શહેરની પ્રજાને શુદ્ધ હવા આપવા માંગતા હો તો એર પોલ્યુશન ઓછું કરવા નક્કર કાર્યવાહી કરવી જોઈએ. અગાઉ સને 2000-21માં 182.400 કરોડ અને 2021-22માં 81.67 કરોડ જેમાં રોડ બનાવવા માટે 90 કરોડ, 30 સીએનજી બસો ખરીદવા માટે, 25 કરોડ ગાર્ડનના કામો માટે, 8 કરોડ સોલાર પેનલ લગાવવા માટે, 5 કરોડ ઇલેક્ટ્રીક ચાર્જીંગ સ્ટેશન બનાવવા માટે ખર્ચ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસની વિવિધ માંગ :છેલ્લા વર્ષનો અમદાવાદ શહેરનો એર કવોલીટી સરેરાશ ઇન્ડેક્ષ 130થી 140 જોવા મળી રહી છે. તેથી એર કવોલીટી ઇન્ડેડામાં કોઈ મહત્તમ સુધારો થયો નથી. અમદાવાદ શહેરનો એર કવોલીટી ઇન્ડેક્ષમાં સુધારો થાય તે માટે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત 2022-23 માટે મળેલ 71.25 કરોડ ગ્રાન્ટની રકમ માત્ર ને માત્ર એર પોલ્યુશન ઓછું કરવા પાછળ જ વાપરી એર કવોલીટી ઇન્ટેલમાં સુધારો થાય તેવા કામો માટે ખર્ચ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.