અમદાવાદ : ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા 33 વર્ષીય યુવકે આત્મહત્યા કરી હતી. જે મામલે પોલીસે તેનો મોબાઇલ ફોન તપાસ કરતા તેમાંથી તેની આત્મહત્યા પાછળનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ભોગ બનનાર યુવકને થોડાક સમય પહેલા સોશિયલ મીડિયાથી અજાણી યુવતી સાથે મિત્રતા થઈ હતી અને તે યુવતીએ મૃતક સાથે વાતચીત કરી વિશ્વાસ કેળવી વ્હોટ્સએપ નંબર લીધો હતો. વ્હોટ્સએપ કોલ કરી ન્યુડ ચેટ કરી હતી.
8 લાખ પડાવ્યા : જે બાદ આ ગુનામાં સામેલા બંને આરોપીઓએ ભેગા મળીને યુવકનો વિડીયો કેપ્ચર કરીને તેને વિડીયો વાયરલ કરવાની બદનામ કરવાની ધમકીઓ આપી 8 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બાદ પણ આરોપીઓએ ન અટકીને CBIના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની ધમકીઓ આપી વધુ પૈસાની માંગ કરતા કંટાળીને યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
અશ્લીલ વીડિયો કોલ :આ મામલે પોલીસે મોબાઈલ નંબર અને લોકેશનના આધારે તપાસ કરી રાજસ્થાનના ભરતપુરના અન્સાર હુસેન અને હરિયાણાના મેવાતમાં ઇરસાદ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ અન્ય આરોપીઓ સાથે મળી દેશભરમાં અલગ અલગ લોકોને બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવી લેવાનુ કામ કરતા હતા. આરોપીઓએ સોલામાં રેહતાં યુવક સાથે યુવતીના નામે મિત્રતા કરી અશ્લીલ વીડિયો કોલ કરીને બ્લેકમેલ કરવાનુ ચાલુ કર્યું હતું. આરોપીઓ 8 લાખ પડાવી લીધા હતા અને ત્યારબાદ વધુ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ ભોગ બનનાર શર્મના કારણે કોઈને કહી ન શકતા અંતે આત્મહત્યા કરી હતી.