અમદાવાદ :જો તમે ઓનલાઈન એપ્લિકેશન થકી ઓછા સમયગાળા માટે લોન લઈ રહ્યા હોવ અથવા તો લૉન લેવાનું વિચારી રહ્યા હોવ તો ચેતી જજો. કારણ કે આ બાબત તમને કંગાળ બનાવી દેશે. અમદાવાદ શહેરમાં એક યુવાન સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે, યુવકે સાત દિવસ માટે 3 હજાર રૂપિયાની લોન મેળવવા માટે ઓનલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરી તેના આધારે લોન મેળવી હતી, ત્યારે તે લોનના ચક્કરમાં ધીમે ધીમે તેને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પૈસા ભરવા માટે દબાણ કરી તેમજ તેના બિભત્સ ફોટો અને તેના વિશેનું લખાણ વ્હોટ્સએપ પર તમામ મિત્રોને મોકલવાની ધમકીઓ આપવામાં આવી હોવાની હકીકત સામે આવતા મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. સાયબર ક્રાઇમ એ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
શું હતો સમગ્ર મામલો : સાયબર ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય યુવકે આ અંગે ફરિયાદ નોંધાવી છે, જેમાં તે પ્રાઇવેટ નોકરી કરતો હોય તેને નાણાંની જરૂર પડતા ઓનલાઈન સોશિયલ મીડિયા મારફતે અલગ અલગ એપ્લિકેશનનો જેમાં Cashgain, Auto Money, Cool Rupee, Cash Pity, Top Loan, Kissht અંગે જાણ થઈ હતી. જેથી 16 જાન્યુઆરી 2023ના રોજ Top Loan નામની એપ્લિકેશનમાંથી તેણે ઓનલાઈન પોતાની વિગતો અને બેન્ક એકાઉન્ટ સહિતની બાબતો આપતા 1000થી 7000 સુધી લોન મેળવવાનો ઓપ્શન મળ્યો હતો, જેથી યુવકે 3,000 રૂપિયાની લોન 7 દિવસનું ઓપ્શન પસંદ કરતા તેના એકાઉન્ટમાં 1,800 આવ્યા હતા. જેના 2,500 તેણે 20 જાન્યુઆરી 2023ના રોજ ચૂકવી દીધા હતા. જે બાદ તેને વધુ પૈસાની જરૂર પડતા તેણે અલગ અલગ એપ્લિકેશનમાંથી સમયાંતરે લોન લીધી હતી.