અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાની મહામારીના હિસાબે લોકડાઉનની પરિસ્થિતિ છે. દૂધ અને દવા સિવાય કોઈપણ પ્રકારની વસ્તુઓ વેચાણ નહીં કરી શકાય, તેવો ગુજરાત સરકારના તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યાં છે. ત્યારે ભલે જીવન જરૂરિયાતની કોઈપણ વસ્તુઓ ન મળી શકતી હોય, પરંતુ અમદાવાદની આ જગ્યા છે, જ્યાં દારૂ ખુલ્લેઆમ મળી શકે છે. અમદાવાદના નરોડા રોડ પરના વિજયમિલ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેનો આ વીડિયો છે.
બાળકોને સાથે રાખી દારૂનો વેપાર, ઉચ્ચ પોલિસ અધિકારીઓની સાંઠગાંઠનો આક્ષેપ
લૉકડાઉનની પરિસ્થિતિમાં દૂધ અને દવા સિવાય કોઇ વેપાર ન કરી શકાય એવો તંત્રનો આદેશ અમુક તત્વોને લાગુ ન પડતો હોય તેવું સામે આવ્યું છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ ન મળી શકે પરંતુ રુપાણીના રાજમાં અમદાવાદમાં એક એવી જગ્યા છે, જ્યાં દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. એટલું જ નહીં, નાનાબાળકોને સાથે રાખી આમ બની રહ્યું છે.
હકીકત એવી છે કે અમદાવાદના વિજયમિલ એરિયામાં ભૈરવસિંગ શેખાવત ઔડાના આવાસ યોજનાના મકાનો આવેલાં છે, જ્યાં કોઈ પણ પ્રકારના લૉક ડાઉનનું પાલન કરવામાં આવતુ નથી, અને ખુલ્લેઆમ દેશી દારૂ, તમાકુ, ગુટખાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકોની ભીડ જમા થાય છે. કોરોના વાયરસને ફેલાવા માટે જાણે મોકળું મેદાન છે. આ વિસ્તારના સ્થાનિકો દ્વારા ૧ એપ્રિલના રોજ પોલીસ કન્ટ્રોલ રૂમ પર કોલ કરી તેની જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈપણ એકશન લેવામાં આવ્યું નથી.
ETVBharat સાથે વાત કરતાં રહીશે જણાવ્યું હતું કે 10 દિવસ બાદ જે જગ્યાએ દેશી દારૂ વેચાતો હતો,તેની ઉપરના મકાનમાં કોરોના કેસ મળી આવ્યો હતો, તેમ જ બીજા નવ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં હતાં, જો પોલીસ સમયસર એકશનમા આવી હોત તો આ મહામારીને રોકી શકાઈ હોત. આવી કપરી પરિસ્થિતિમાં પણ પોલિસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં નાછૂટકે આ વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા ૨૩ એપ્રિલે રાજ્યના પોલીસ વડા, અમદાવાદ શહેર પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર સુધી લેખિત તેમજ ઈમેલ દ્વારા ફોટો તેમ જ વિડિઓ સાથે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં તેઓએ શહેરકોટડા પોલીસ સ્ટેશનના અધિકારીઓની સાંઠગાંઠથી આ પ્રકારનો વ્યસનવ્યાપાર ચાલતો હોવાનું જણાવી કસૂરવારો સામે સખત કાર્યવાહી કરવા અપીલ કરી હતી. જોકે તાજ્જૂબની વાત છે કે ફરિયાદના 15 દિવસ થયાં હોવા છતાં પોલીસ અધિકારીઓ સામે કોઇ પગલાં નથી લેવાયાં અને આવાસમાં પરિસ્થિતિ એની એજ જોવા મળી રહી છે. લૉક ડાઉન હોવા છતાં લોકોના ટોળાં પત્તા રમવા, શાકભાજીના વેચાણ સહિતની પ્રવૃત્તિઓ પણ યથાવત જોવા મળી રહી છે.