અમદાવાદ : ગુજરાતમાં ખેડૂતો પરનું સંકટ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. એક તરફ ગરમીના કારણે ખેડૂતોની હાલત ખરાબ બની રહી છે. તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે પાકમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે ફરી એક વાર હવામાન વિભાગે રાજ્યમાં વધુ એક વાવાઝોડાની આગાહી કરતા જગતનો તાત ચિંતાગ્રસ્ત બન્યો છે.
હવામાન વિભાગની આગાહી : જોકે હાલ આગામી દિવસોમાં ગરમીનો પારો 40 ટકા ઉપર જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં ગરમીનો પારો હજુ પણ વધુ ઊંચકાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હાલમાં ગરમી તો વધી રહી છે, પરંતુ સાથે સાથે હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ખેડુત કુદરત સામે લાચાર : ગરમી અને કમોસમી માવઠાની સંયુક્ત આગાહી બાદ ગુજરાતમાં વાતાવરણ અનિયમિત જોવા મળી રહ્યું છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે. એક તરફ કમોસમી વરસાદથી નુકશાનીને પહોંચી વળવા સરકાર મદદ માટે આગળ આવી છે. તો બીજી તરફ ખેડૂતો પણ કુદરત સામે લાચાર બની ગયા છે. કમોસમી માવઠાને લઈ ખેડૂતો માટે વધુ એક વાર માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પર નજર કરવામાં આવે તો ગુજરાતમાં બે દિવસ સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયકલોનીક સર્ક્યુલેશનને લીધે વરસાદની સંભાવના છે.