અમદાવાદઃ શહેરમાં સવારે 09:45 કલાકે વીસનગરથી કેશોદ તરફ જઈ રહેલી GSRTCની એસટી બસ તપોવન સર્કલથી વિસત સર્કલ તરફ પસાર થઈ રહી હતી. પેસેન્જર્સથી ભરેલી બસના ડ્રાઈવર સુરેશભાઈ શકરભાઈ ચૌધરીને અચાનક છાતીમાં દુખાવો થયો હતો. તેમણે બસ એક તરફ સાઈડમાં ઊભી રાખી હતી. અસહ્ય દુખાવો થતા તેઓ ડ્રાઈવર સીટ પર જ સૂઈ ગયા હતા. તે સમયે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના એલ ડિવિઝનના ત્રણ પોલીસકર્મીઓ ત્યાંથી પસાર થયા હતા. ઊભેલી બસ જોઈ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બસ ડ્રાઈવરને છાતીમાં દુખાવો થાય છે.
તાત્કાલીક કરાઈ CPR ટ્રીટમેન્ટઃતરત જ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ, કોન્સ્ટેબલ નિકુલ ભાઈ અને બ્રિજેશ ભાઈએ ડ્રાઈવરને તેમણે CPR આપ્યું હતું. ત્યારબાદ 108ની રાહ જોયા વિના તેઓએ બસ ડ્રાઈવરને પોતાની જ ગાડીમાં બેસાડી ચાંદખેડાની SMC હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે ડ્રાઈવરને તપાસતા તેને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે સમયસર તેને CPR અને હોસ્પિટલમાં તબીબી સારવાર મળી રહેતા ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો.