અમદાવાદ: બોડકદેવ વિસ્તારમાંથી એક યુવકનું ત્રણ શખ્સોએ અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી. ત્રણમાંથી એક આરોપીની ગર્લફ્રેન્ડ સાથે યુવક સોશિયલ મીડીયા પર વાત કરતો હોવાની અદાવત રાખી અપહરણ કરી માર મારી મુક્ત કર્યો હતો. મુખ્ય આરોપીની સાથેના અન્ય બે લોકોએ ચેટ કરવા બદલ હાથ કાપી નાખવાની ધમકી આપી ખંજર પણ મારી દીધુ હતું. પોલીસે સમગ્ર મામલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
ઇન્સ્ટાગ્રામ ચેટ બન્યું વિવાદનું કારણ: ગોતા જગતપુર રોડ ભાવેશ ડાભી નામનો યુવક પત્ની અને પુત્રી સાથે રહે છે અને બેંકમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે સોનમ (નામ બદલેલ છે) સાથે મિત્રતા થઇ હતી. ઘણા સમયથી ભાવેશ સોનમ સાથે સોશિયલ મિડીયા પર વાતચીત કરતો હતો. આ દરમિયાનમાં શુક્રવારે બપોરે સોનમના મિત્ર જીગર ઝાલૈયાએ ભાવેશને ફોન કરીને જણાવ્યું કે મેં તારી સોનમ સાથેની ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ચેટ જોઇ છે, જે જોતા તમારે બંનેને આડા સંબંધ હોય તેવું લાગે છે. સોનમ મારી ગર્લફ્રેન્ડ છે, જેથી આ બાબતે વાત કરવા મળવું છે.
જાનથી મારવાની ધમકી: સાંજે ભાવેશ થલતેજ મેટ્રો સ્ટેશન પાસે જઇને જીગર ઝાલૈયાને ફોન કરતા તે ગાડી લઇને મળવા આવ્યો હતો. જીગરે આ ભાવેશને પૂછ્યું કે, તારે સોનમ સાથે શું સંબંધ છે, મેં તમારા બંનેની એડલ્ટ ચેટ જોઇ છે. તેવામાં બે શખ્સો આવીને ગાડીમાં બેસી ગયા અને બાદમાં સોનમ સાથે કેમ એડલ્ટ વાત કરે છે, કહીને ભાવેશને માર મારવા લાગ્યા હતા. ભાવેશે પોતાના સોનમ સાથે કોઇ આડા સંબંધ નથી પણ સ્કુલ સમયથી સાથે ભણતા હોવાથી ચેટ કરતા હોવાનું કહેતા જીગરે ગાડી આગળ હંકારી ભાવેશને માર મારતા મારતા ઓગણજ પાસે સીમમાં ઉતારી દઇ ફોન લઇ સીમકાર્ડ ફેંકી દીધા હતા. ત્રણેય શખ્સોએ ફરી ભાવેશને માર મારી હવે સોનમ સાથે ચેટ કરીશ કે વાત કરીશ તો મારી નાખીશું ધમકી આપી હતી.