અમદાવાદ : સાસરિયાઓના ત્રાસથી વધુ એક પરિણીતાએ જીવ ગુમાવ્યો હોવાનો કિસ્સો શહેરના નારોલ વિસ્તારમાં બનવા પામ્યો છે. પતિ સહિત સાસુ અને સસરા મહિલાને નાની નાની બાબતોમાં મેણા ટોણા મારીને માનસિક ત્રાસ આપતા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આખરે કંટાળીને પરિણીતાએ ઉંદર મારવાની ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ નીપજતા માતા પિતાએ પોતાની દીકરીના સાસરિયાઓ વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શું હતો સમગ્ર મામલો : મૂળ રાજસ્થાન જયપુરના રહેવાસી એવા ભગવતીબેન ભાવસાર નારોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તેમની દીકરીના લગ્ન અમદાવાદ ખાતે કરાવ્યા હતા. ગત 13 જૂનના રોજ તેમની દીકરીનો ફોન આવ્યો હતો અને સાસરીવાળા ત્રાસ આપે છે અને નથી રહેવું તેવું દીકરીએ પોતાની માતાને કહ્યું હતું. ફોન પત્યાના એક કલાક બાદ સાસુનો ફોન પરિણીતાની માતા પર ગયો હતો, કે તેમની દીકરી ઊલટીઓ કરી રહી છે અને ધ્રુજી રહી છે, સારવાર માટે એલ.જી. હોસ્પિટલ લઇ જઇએ છીએ. જેથી ગભરાયેલી માતાએ અમદાવાદમાં રહેતા પોતાના બે જમાઈને એલ.જી. હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં આગળ આરતી નામની પરણિતા બેહોશ હાલતમાં હતી અને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું.