અમદાવાદ:શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં માત્ર ચોપડા પર જ દારૂ અને જુગાર બંધી હોય એવું લાગી રહ્યું છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે. એવું લાગે છે કે, પોલીસ અમુક કેસમાં આંખ આડા કાન કરી રહી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂ અને જુગાર નો મોટો કેસ કરીને આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. આરોપીઓમાં લિસ્ટેડ બુટલેગર કમલેશ ઉર્ફે કાલુ મરાઠી અને લાઈન ચલાવનાર કૈલાશ માલી સહિતના 8ને વોન્ટેડ જાહેર કર્યા છે.
આંખ આડા કાન: અમદાવાદ શહેરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ફરી એક વાર સપાટો બોલાવવામાં આવ્યો છે. શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને દારૂ અને જુગારના દુષણ ને ઝડપી પાડી આરોપીની ધરપકડ કરી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં માત્ર ચોપડા પર જ દારૂ અને જુગાર બંધી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અવારનવાર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂ અને જુગાર નો મોટો કેસ કરીને આરોપીને પકડવામાં આવે છે. ત્યારે તે દારૂ જુગારના કેસમાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અથવા તો આંખ આડા કાન હોય તેવું જોવા મળતું હોય છે.
આ પણ વાંચો Ahmedabad News : ગરમી શરૂ થતાં અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો
મુદ્દામાલ જપ્ત:સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચાંદખેડા ગામમાં દરોડા પાડીને જુગારધામ ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં પોલીસે તળાવના કાંઠે જુગાર રમતા 18 જુગારીઓની ધરપકડ કરી છે. આ મામલે 31 હજાર 190 રૂપિયા રોકડ, 9 મોબાઇલ ફોન તેમજ 86 જેટલા ગંજી પાના ના પેકેટ અને 5 વાહનો સહિત બે લાખ 41 હજાર 990 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે વિજયસિંહ ઝાલા, હાર્દિક વ્યાસ, પ્રકાશ મહેરીયા, અબ્દુલ મેમણ, અલ્પેશ પનારા, હાજી મોહમ્મદ શેખ, સેન્ડલ દ્રવિડ, વિનોદ ઠાકોર, હર્ષદ રાઠોડ, જય જોની, રાજકુમાર જાડેજા, આસિફ શેખ, પિનકલ શહા, ઉત્તમલાલ સોની, ઈરફાન સૈયદ, વિનોદ નાનકાણી દિલીપ ચૌહાણ અને હિરેન માણેની ધરપકડ કરી છે. જ્યારે દિલીપ ઠાકોર, શૈલેષ ભરવાડ, ધીરજ પરમાર અને વિશાલ રાવત નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપી અને મુદ્દામાલને ચાંદખેડા પોલીસને સોંપી અને આગળની કાર્યવાહી ચાંદખેડા પોલીસને આપી છે.
આ પણ વાંચો Ahmedabad Crime : 22 લાખના માલની ચોરીની ફરિયાદ પોલીસે દાખલ ન કરતા વેપારીએ લીધી કોર્ટની મદદ
સ્થાનિક પોલીસને સોંપી: બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનું કટિંગ પકડી પાડી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નરોડા નારોલ હાઈવે ઉપર આવેલા ચમક ચુના એજન્સી પાસે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને દારૂનું કટિંગ ઝડપી રાજસ્થાનના સાંચોર નાગારામ ઉર્ફે મોહન રબારી નામના એક યુવકની ધરપકડ કરી છે. આ મામલે 1223 જેટલી દારૂની બોટલો, ત્રણ વાહનો અને એક મોબાઇલ ફોન સહિત 16 લાખ 50 હજારથી વધુના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે આ આરોપી સાથે ગુનામાં સામેલ 8 જેટલા શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જે આરોપીઓમાં લિસ્ટેડ બુટલેગર કમલેશ ઉર્ફે કાલુ મરાઠી અને લાઈન ચલાવનાર કૈલાશ માલી સહિતના 8ને વોન્ટેડ જાહેર કરી આરોપી અને મુદ્દામાલને કૃષ્ણનગર પોલીસને સોંપી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી સ્થાનિક પોલીસને સોંપી છે.