ગરીબ બાળકોને ભોજન, વિધવા મહિલાને કીટ અને વૃદ્ધોની સેવા કરતી અમદાવાદની અનોખી સંસ્થા અમદાવાદ : ગુજરાતની અંદર જનસેવાએ પ્રભુસેવા તરીકે અનેક સેવાભાવી સંસ્થાઓ સેવા માટે તત્પર હોય છે. કોઈપણ આર્થિક સમસ્યા કે કુદરતી આફતમાં પણ તે પોતાની આ સેવાનો લાભ જનતા સુધી પહોંચાડવામાં ઉપયોગી થાય છે, પરંતુ ઘણી સંસ્થાઓ એવી છે કે શહેરમાં કે ગામડામાં રહેતું ગરીબ પરિવાર જે એક સમય ભોજન માટે પણ વંચિત રહી જતો હોય તેવા પરિવારને ભોજન આપવાનું કામ કરે છે. ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતી અનેક સંસ્થાઓ જોવા મળી રહી છે, પરંતુ અમદાવાદમાં છેલ્લા 27 વર્ષથી સારથી ફાઉન્ડેશન સંસ્થાએ નાના બાળકોને ભોજન જ નહીં પરંતુ શિક્ષણ અને વૃદ્ધ લોકોને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવ્યા હોય તો તેવા પરિવારનું કાઉન્સિલ કરીને પરત પોતાના ઘરે મુકવાનું કામ કરી રહ્યા છે.
આ સેવા કરવાની પ્રવૃત્તિ મને વારસાગત પ્રાપ્ત થઈ છે. મારા દાદા જૂનાગઢની અંદર હિજરત કરીને આવેલા લોકો ખીચડીની સેવા આપતા હતા. તેમને એક જ નારો આપ્યો હતો. તેજ નારા સાથે અમદાવાદમાં અમે 27 વર્ષથી સારથી ફાઉન્ડેશન નામથી સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરિયાત મંદવાળા બાળકો અને પરિવારને રોજ સવારે ગરમાગરમ જમવાનું આપીએ છીએ. આ મારી સંસ્થા સાથે કેટલાક જાણીતા અને નામાંકિત વ્યક્તિઓ પણ આ સંસ્થા સાથે જોડાયા છે. - રાજેશ સોલંકી (ટ્રસ્ટી, સારથી ફાઉન્ડેશન)
સારથી ફાઉન્ડેશન સાથે 160 લોકો જોડાયા :સારથી ફાઉન્ડેશનમાં અત્યારે હાલ 160 જેટલા લોકો જોડાયેલા છે. અમદાવાદ શહેરમાં 27 વર્ષથી સતત કાર્યરત છે. દૈનિક 200થી પણ વધારે લોકોને ગરમાગરમ ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત એક શાળા અને ત્રણ આંગણવાડી દત્તક લીધી છે. જેમાં જરૂરિયાતમંદ બાળકોને ભોજન કપડા અને સ્કૂલ સ્ટેશનરી મફતમાં આપવામાં આવે છે. આ ઉપરાંત એક વૃદ્ધાશ્રમ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે ત્યારે તેમની જોડે કાઉન્સિલિંગ કરવામાં આવે છે અને શક્ય હોય તો ત્યાં સુધી બાળકોને અને તેમના વડીલો ઘરે પરત જાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. અત્યાર સુધી અનેક લોકો કાઉન્સિલ કરીને પરત મોકલવામાં સફળ રહ્યા છે.
વિધવા મહિલાને કરિયાણું :જ્યારે એક મહિલાને પોતાનો પતિ અવસાન પામે ત્યારે ખૂબ જ મોટી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. તેના બાળકોની તમામ જવાબદારી તે મહિલા પર આવી જતી હોય છે. આ સંસ્થા દર અમાસના દિવસે 180 જેટલી મહિલાઓને કરિયાણાની કીટ આપી થોડીક અંશે મદદરૂપ થાય છે. આ ઉપરાંત બાળકોને સારું શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે સ્લમ વિસ્તારના બાળકો સારો અભ્યાસ કરી શકે અને પોતાનું ભવિષ્ય સારું બનાવી શકે તે હેતુથી સનાતન આશ્રમ શાળાની શરૂઆત કરી છે.
રાત્રિ શાળા શરૂ કરવાની વિચારણા :જે બાળકો દિવસે અભ્યાસ કરી શકતા નથી તે બાળકો રાત્રે પણ અભ્યાસ કરી શકે તે માટે રાત્રે શાળા એટલે કે રાત્રિના આઠથી દસ વાગ્યા સુધી શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છે. જેની અંદર ધોરણ 1થી 8 ના બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. શાળામાં અંદાજિત 250 જેટલા બાળકો શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. સારથી ફાઉન્ડેશન દ્વારા તમામ તહેવારોમાં પણ આજ ગરીબ બાળકોને મીઠાઈ કે અન્ય ચીજવસ્તુઓ આપીને પણ તેમનો તહેવાર સારી રીતે ઉજવાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે.
- Bhavnagar News : ભાવનગરમાં સાચા ગરીબ કોણ ? સરકારી આવાસ છતાં મફતનગરો હટાવવા જતા મામલો ગરમાયો
- સાચા લોકસેવક, ધારાસભ્ય ગીતાબા જાડેજાએ શ્રમજીવી બાળકોને આપ્યું નવજીવન, ઉઠાવ્યો સારવારનો ખર્ચ
- The Kerala Story: 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મ જોવા જતી મહિલાઓ માટે નિઃશુલ્ક રિક્ષા સેવા