અમદાવાદઃપાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. પાટીદાર અનામત આંદોલન સમયે વર્ષ 2018માં થયેલા નિકોલ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલને સમન્સ પાઠવ્યું છે. એટલે હવે 8 ફેબ્રુઆરીએ હાર્દિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં હાજર રહેવું પડશે.
આ પણ વાંચોGujarat High Court: HCએ નીચલી કોર્ટના 9 જજોને અવમાનનાની નોટિસ ફટકારી
નિકોલમાં હાર્દિક પટેલ સામે થઈ હતી ફરિયાદવર્ષ 2015માં સમગ્ર ગુજરાતમાં જે પાટીદાર અનામત આંદોલન થયું હતું. તેના પડઘાં સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. જોકે, પાટીદાર અનામત આંદોલન સમયે ઘણા લોકો ઈજાગ્રસ્ત અને મૃત્યુ પણ પામ્યા હતા. ત્યારે વર્ષ 2018માં અમદાવાદમાં નિકોલ ખાતે હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી. હાર્દિક પટેલ તેમ જ અન્ય 9 લોકો નિકોલ પર આમરણાંત ઉપવાસ પર બેસી વિરોધ કરવા જાય તે પહેલાં જ હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો. સાથે જ વર્ષ 2018માં પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ પણ નોંધાઈ હતી, જેમાં હાર્દિક પટેલની સાથે પોલીસે ગીતા પટેલ અને કિરણ પટેલ સામે પણ ગુનો નોંધ્યો હતો.
ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ દાખલ કરાઈઃ આ કેસને લઈને હાર્દિક પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેમ જ ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હાર્દિક પટેલ સામે 100થી વધુ પેજની ચાર્જશીટ અને 10થી વધુ સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં 8 ફેબ્રુઆરીએ હાર્દિક પટેલને ગ્રામ્ય કોર્ટમાં હાજર રહેવાનું સમન્સ પાઠવવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને આપી હતી રાહતઃ મહત્વનું છે કે, ચૂંટણી પહેલા જ સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલનના અનેક કેસ પાછા ખેંચવામાં આવ્યા હતા. તેમ જ સુપ્રીમ કોર્ટમાંથી પણ હાર્દિક પટેલને સજા સામે રાહત મળી હતી કે, સજામાં 2 વર્ષનો સ્ટે મૂકવામાં આવ્યો હતો. જોકે, હવેથી ફરી એક વાર ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સમન્સ ઈશ્યુ કરતા હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે.