અમદાવાદ :રેલવે LCB એ ચાલુ ટ્રેનમાં પ્રવાસીઓના પર્સ, મોબાઈલ કે કિંમતી સામાનની ચોરી કરતા સગીરની ધરપકડ કરી છે. આ મામલે ગુનામાં ચોરી કરેલા સામાનને સોંપવા માટે સગીર જે મહિલાને આપતો હતો, તે મહિલાની આણંદથી ધરપકડ કરી છે. ત્યારે આ સગીરના ચોરી પાછળના ઉદ્દેશ્ય અંગે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
શું છે સમગ્ર મામલો : રેલવેમાં પ્રવાસ કરતા અનેક પ્રવાસીઓના મોબાઈલ ફોન, પર્સ કે પછી કિંમતની વસ્તુઓ ભરેલા પાકીટ સહિતની અનેક વસ્તુઓ ચોરી થવાની અનેક ઘટનાઓ સામે આવી છે. થોડા દિવસો પહેલા એક મહિલા પ્રવાસીની લાખોની કિંમતના દાગીના ભરેલા પાકીટની ચોરી થઈ હતી, ત્યારે રેલવે LCB એ ઊંડાણપૂર્વક તપાસ કરીને ચોરી કરનાર 17 વર્ષના કિશોરને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા કિશોરની તપાસ કરતા તે છેલ્લા ઘણા સમયથી રેલવેમાં ચોરી કરતો હોવાની કબૂલાત કરી હતી અને તે ચોરીની વસ્તુઓ આણંદમાં રહેતી નૂરજહાં દિવાન નામની મહિલાને આપતો હોવાનું સામે આવતા રેલવે પોલીસે મહિલાની પણ ધરપકડ કરી હતી.
ચોકલેટ માટે ચોરી : આ મામલે વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે, સગીર ચોકલેટ ખાવાનો ખૂબ શોખીન હોય, જેથી સગીર ટ્રેનમાંથી વસ્તુઓ ચોરી કરીને મહિલાને આપતો હતો. બદલામાં મહિલા તેને પૈસા આપતા તે પૈસાથી સગીર ચોકલેટ ખરીદી લેતો હતો. રેલવે પોલીસે સગીરને પકડ્યો, ત્યારે પણ તેના ખિસ્સામાંથી 7-8 ચોકલેટ મળી આવી હતી.