અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકજનો માટે અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે. AMC દ્વારા શારદા બેન, એલ.જી. અને નગરી હોસ્પિટલ સંચાલન કરવામાં આવે છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છુટકમાં દૂધ આપવામાં આવતું હતું. જેને બંધ કરીને હવે અમૂલને ફાયદો કરવામાં માટે તમામ દર્દીને અમુલ દૂધ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી AMC સંચાલિત હોસ્પિટલ શારદાબેન, એલ.જી અને નગરી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને છુટક ડેરીમાંથી દૂધ લાવીને આપવામાં આવતું હતું જેના લીધે હવે AMCએ અમૂલ દૂધ આપવાનો નિર્ણય કર્યો છે. હાલમાં સૌથી વધુ દૂધ ગાયનેક વિભાગમાં ઉપયોગ લેવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન, એલ.જી અને નગરી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને અમુલનું દૂધ આપવા માટે વાર્ષિક રૂપિયા 1.10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં શારદાબેન હોસ્પિટલમાં રોજનું 96 લીટર, એલજી હોસ્પિટલમાં 90 લીટર અને નગરી હોસ્પિટલમાં 8 લીટર એમ અંદાજે રોજનું 200 લીટર દૂધનો વપરાશ થાય છે.- પરેશ પટેલ (હોસ્પિટલ કમિટીના ચેરમેન)
વધુ એક યુનિટ શરૂ કરવામાં આવશે :વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી નગરી હોસ્પિટલમાં હવે દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે. જેના કારણે છેલ્લા એક વર્ષમાં ઓપીડીની સંખ્યા એક લાખથી વધુ નોંધાઇ છે. જેના પગલે વધારાનો એક યુનિટ શરૂ કરવામાં આવશે. ત્રણ ડોક્ટરોની સંખ્યા વધતા હવે નગરી હોસ્પિટલમાં એક યુનિટ વધારવામાં આવશે. યુનિટની સંખ્યામાં વધારો થતાં હવે દર્દીને ઝડપથી સારવાર મળી રહેશે. તેને ધ્યાનમાં રાખી વધુ એક યુનિટ ચાલુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.