અમદાવાદઃ શહેરમાં બુધવારે રાત્રે 10 વાગ્યા પછી તોફાની પવન બાદ વરસાદી ઝાપટું શરૂ થયું હતું. શહેરના થલતેજ, પકવાન, સેટેલાઈટ જોધપુર, શિવરંજની, સાયન્સ સિટી, સોલા, ચાણક્યાપુરી, ઘાટલોડિયા, શીલજ, વૈષ્ણોદેવી, નવા વાડજ, મણિનગર, ખાડિયા, ઈસનપુર, મેમ્કો, વટવા, દાણાપીઠ, આંબાવાડી, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કોતપુર તેમજ રાણીપમાં લગભગ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.
બુધવારે અમદાવાદમાં રાત્રે 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
વરસાદી ઝાપટાની સાથે ચોમસાનું આગમન થઈ ગયું છે. ગુજરાતભરમાં તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા,છોટાઉદેપુર, રાજકોટ અને ખેડા સહિત અનેક જિલ્લામાંઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં બુધવાર મોડી રાત્રે પવનની સાથે વરસાદી ઝાપટું શરૂ થયું હતું. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરભરમાં આશરે 1 ઈચ જેટલો વરસાદ નોંધાયો હતો.
મોડી રાત્રે પડેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો મળી હતી. થંડરસ્ટોર્મની અસરને કારણે અમદાવાદની આજુબાજુના 100થી 150 કિલોમીટરના વિસ્તારમાં વરસાદ થયો હતો. દિવસ દરમિયાનના અસહ્ય ઉકળાટ બાદ ભારે પવન અને વરસાદ આવ્યો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 10 જૂને રાત્રે 10 કલાક સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ પડ્યો છે.
મહેસાણા શહેરમાં બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, તો ગાંધીનગરમાં દહેગામમાં છેલ્લા 2 કલાકમાં બે ઇંચ વરસાદ આવ્યો છે. પંચમહાલના જાંબુધોડામાં બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ થયો છે. છોટાઉદેપુરમાં પણ બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ થયો છે. રાજ્યના 17 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તો 46 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં ઝોન મુજબ વરસાદ
- પૂર્વ- 13.83 મિલીમીટર
- પશ્ચિમ- 22.14 મિલીમીટર
- ઉ.પશ્ચિમ- 24.50 મિલીમીટર
- દ. પશ્ચિમ- 49.00મિલીમીટર
- મધ્ય- 19.25મિલીમીટર
- ઉત્તર- 29.67 મિલીમીટર
- દક્ષિણ- 24.27 મિલીમીટર
- કુલ- 26.08 મિલીમીટર