અમદાવાદ:આવતીકાલે 26 જાન્યુઆરીને લઇ ગુજરાત રાજ્યની પોલીસ એલર્ટ છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસને 26 જાન્યુઆરીએ બ્લાસ્ટ કરવાનો પોલીસને નનામો પત્ર મળ્યો છે. પત્રમાં ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે.
બ્લાસ્ટ કરવાની ધમકીનો પત્ર:શહેર પોલીસ કમિશનર કચેરીએ અજાણ્યા વ્યક્તિએ પત્ર મોકલીને તેમાં શહેરના ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ તેમજ કાલુપુર રેલવે સ્ટેશન પર 26 જાન્યુઆરીએ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. જેને પગલે શહેર પોલીસ દોડતી થઈ હતી. એક તરફ શહેર પોલીસ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કામગીરીમાં જોતરાયેલી હતી, તેવામાં પોલીસને મળેલા એક પત્રના કારણે શહેરભરની પોલીસની ઊંઘ હરામ થઇ હોવાનું સામે આવ્યું છે. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.
4 લોકોની અટકાયત: અમદાવાદ પોલીસને બ્લાસ્ટનો ધમકીભર્યો પત્ર મોકલવા મામલે ક્રાઈમ બ્રાન્ચે કુલ 4 લોકોની અટકાયત કરી છે. 2 શખ્સોને ગુજરાતથી અને 2 શખ્સોને યુપીથી ઝડપ્યા છે. પત્રમાં જેનું નામ હતું તેને યુપીના બલિયાથી ઝડપ્યો છે. તમામ શખ્સોની પૂછપરછ હાથ ધરાઈ છે.
ક્રાઈમ બ્રાન્ચની આઠ અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ:ધમકી ભર્યા મળેલા પત્રને પગલે શહેર ક્રાઈમ બ્રાન્ચની આઠ અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ માટે નીકળી હતી. શહેર પોલીસે તકેદારીના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં અને સાર્વજનિક સ્થળો ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. સાવચેતીના ભાગ રૂપે શહેર પોલીસ દ્વારા તમામ ભીડભાડ વાળી જગ્યા પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. તેમજ લોકોને પણ અજાણી વસ્તુ મળે તો તેની સાવચેત રહેવા અને તરત જ પોલીસ કંટ્રોલને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
શહેરમાં એલર્ટ જારી: ખાસ કરીને પત્ર મોકલનારે પોતાનો મોબાઈલ નંબર પણ લખ્યો હોવાથી કોઈ માનસિક અસ્થિર વ્યક્તિએ આ પત્ર મોકલ્યો હોવાની આશંકા સિવાય રહી છે. ધમકીભર્યો પત્ર મળતા સમગ્ર શહેરમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. આ પત્ર કોના દ્વારા લખવામાં આવ્યો છે કોણે પહોંચાડ્યો હતો તે સમગ્ર બાબતની તપાસ શરૂ કરી છે. હિન્દીમાં આ પત્ર લખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બોમ્બ બ્લાસ્ટની ધમકીના પગલે પોલીસ સતત એલર્ટ બની ગઈ છે. કાલુપુર રેલવે સ્ટેશન પર 12-12 કલાકનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.