નવરાત્રીને લઈને અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન તૈયાર અમદાવાદ : 15 ઓક્ટોબરથી નવલી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. ત્યારે ખાસ અમદાવાદની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કોમર્શિયલ ગરબા અમદાવાદમાં થતા હોય છે. ગરબા આયોજકો દ્વારા ભવ્ય આયોજન પણ કરવામાં આવતું હોય છે. પરંતુ જે રીતે હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થયો તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 7 કોર્પોરેશન અને 156 નગરપાલિકાઓને આયોજકોને એમ્બ્યુલન્સની અને આરોગ્યની વ્યવસ્થા કરવાની સુચનાઓ આપવામાં આવી છે.
ગરબા આયોજકોની અરજી : અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રીની તૈયારીઓ બાબતે અમદાવાદ પોલીસ કંટ્રોલના DCP કોમલ વ્યાસે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 47 અરજીઓ પોલીસ પાસે આવી છે. જેમાં પરવાનગી આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ઉપરાંત આયોજકોને અમદાવાદ પોલીસ દ્વારા અમુક સૂચનો પણ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત લાઉડસ્પીકર વગાડવા માટે ફક્ત 12 વાગ્યા સુધીની જ પરવાનગી આપવામાં આવશે. જ્યારે એન્ટ્રી અને એક્ઝીટમાં આયોજકોએ સુચારુ વ્યવસ્થા થાય તેવી કડક સૂચના આપવામાં આવી છે. પરંતુ એમ્બ્યુલન્સ અને આરોગ્ય માટે હજુ સુધી અમદાવાદ પોલીસ અને કોર્પોરેશન વચ્ચે સંકલન થયું નથી.
અમદાવાદ પોલીસ દ્વારા આયોજકોને સૂચના :
- જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી 12 વાગ્યા સુધી આપવામાં આવી
- ગરબા પૂર્ણ થયા બાદ ટ્રાફિકનો પ્રશ્ન ન સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે
- ગરબા સ્થળ પર આયોજકોને CCTV કેમેરા અને કંટ્રોલ રૂમ તૈયાર કરવાની સૂચના
- પાર્કિંગ સ્થળ ગરબા ગ્રાઉન્ડથી 100 મીટર દૂર રાખવાની સૂચના
- હાર્ટ એટેકના કિસ્સામાં જેવી ઘટના ન બને તે માટે તબીબી ટીમ તૈનાત રાખવા સૂચના
- લાઈટિંગ માટે સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટીના NOC લેવામાં આવે તેવી માંગ
મહિલા સુરક્ષા માટે સી-ટીમ સજ્જ :કોમલ વ્યાસે વધુમાં નિવેદન આપ્યું હતું કે, ગરબાનો સમય પૂર્ણ થયા બાદ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મહિલા પોલીસ ટીમ તૈનાત કરવામાં આવશે. જ્યારે મહિલા પોલીસ ડ્રેસમાં નહીં પરંતુ સિવિલ ડ્રેસમાં ફરીને છેડતીની ઘટનાને રોકવાના તથા છેડતીની ઘટના ન બને તે માટે ખાસ જગ્યા ઉપર ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે. ઉપરાંત ગરબા પૂર્ણ થયા બાદ મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને ધ્યાનમાં લઈને પણ ટ્રાફિક પોલીસના જવાનોને ખડે પગે રાખવામાં આવશે. આમ યુવતીઓની સુરક્ષા માટે ખાસ સી-ટીમ તૈનાત રાખવામાં આવશે.
ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ : ખાનગી આયોજકોએ શોર્ટ સર્કિટના કારણે આગના બનાવ ન બને તે માટે ફાયર સેફ્ટીની વ્યવસ્થા પણ કરવાની રહેશે. ઉપરાંત હોસ્પિટલની આજુબાજુમાં ગરબાને પરવાનગી આપવામાં આવશે નહીં. જે જગ્યાએ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી જરૂર જણાય ત્યાં ફોટોગ્રાફી પણ કરવાની રહેશે. ઉપરાંત ખોટી અફવા ફેલાય નહીં તે માટે સાયબર ટીમ પણ સતત વોચ રાખશે. જ્યારે ગરબાની શરૂઆત અને ગરબા પૂર્ણ થયા બાદ પણ અમુક લોકો કાફેમાં અથવા તો હોટલમાં સમય પસાર કરતા હોય છે. તેવા સમયગાળા દરમિયાન પણ પોલીસનું સતત પેટ્રોલિંગ અને વોચ રાખીને જરૂરી અટકાયતી પગલા પણ લેવામાં આવશે.
- Navratri 2023: રાસમાં પણ રામ, રાજકોટમાં રમાશે રામના સ્ટેપ પર ગરબા
- Navratri 2023: તહેવારો નજીક આવતા રાજકોટ ઈમિટેશન જ્વેલરી માર્કેટમાં તેજી જોવા મળી