અમદાવાદ : વિશ્વ કપની ફાઇનલ મેચ જોવા આવેલા દિલ્હીના યુવકો સાથે 20 હજારનો તોડ કરનાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ જોવા આવેલા દિલ્હીના યુવકો પાસે પોલીસ જવાનોએ 2 લાખની માંગણી કરી હતી. પરંતુ યુવકો પાસે પૈસા ન હોવાથી મામલો 20 હજારમાં પતાવવામાં આવ્યો હતો.
20 હજારનો તોડ કર્યો : આ તોડકાંડની સંપૂર્ણ ઘટનાની વાત કરવામાં આવે તો નાના ચીલોડા ટ્રાફિક પોઈન્ટ પાસે યુવકો પાસે દારૂની બોટલ મળતાં તોડ થયાનો આક્ષેપ થયો હતો. ત્યારે કારમાં દારૂની બોટલ હોવાથી પોલીસકર્મીઓએ 20 હજારનો તોડ કર્યો હતો. આ મામલે પોલીસ કર્મચારીઓ દ્વારા 2 લાખની માંગણી કરાઈ હતી. જે બાદ 20 હજાર UPI કરાવી તોડ કર્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ અને TRB જવાને દારૂની બોટલ અંગે કાર્યવાહી નહી કરી રૂપિયા પડાવવાનો પ્લાન કર્યો હતો.
તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી : આ સમગ્ર ઘટના ટ્રાફિક ડીસીપી સફિન હસનના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ટ્રાફિક પોલીકર્મીઓએ યુવકો પાસેથી 20 હજાર પડાવ્યા હોવાની વાતમાં તથ્ય સાબિત થતાં રૂપિયા પરત કર્યા હતા. જોકે પોલીસ બેડામાં લાંછનરૂપ આ ઘટનાં અંગેની આ કેસની સમગ્ર તપાસ કે ડિવિઝન એસીપીને સોંપાતા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.