મળતી માહીતી મુજબ, ગત 10 ઓગસ્ટના રોજ અમદાવાદ એરપોર્ટના રન વે પરથી એક યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો અને આ યુવકને એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો. એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ યુવક માનસિક રીતે બીમાર છે તેથી તેને મેન્ટલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ યુવક કોણ છે ક્યાંથી આવે છે તથા તેનું નામ શું છે તે અંગે પોલીસ પાસે કોઈ હકીકત નહોતી. તેથી પોલીસે આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને યુવકને પૂછપરછ શરૂ કરી હતી.
યુપીથી ભાગી આવેલા માનસિક અસ્થિર યુવકનું અમદાવાદ પોલીસે પરિવાર સાથે કરાવ્યું મિલન - ટેક્નોલોજી
અમદાવાદ: દેશભરમાં અનેક બાળકો તથા માનસિક રીતે અસ્થિર વ્યક્તિ ગુમ થવાના કેસમાં જોવા મળે છે, ત્યારે મોટા ભાગના કેસોમાં જે તે વ્યક્તિ પરત ઘરે આવે તેની શક્યતા ઓછી હોય છે. ટેક્નોલોજીના જમાનામાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દ્વારા અમદાવાદની પોલીસ અમદાવાદથી 1400 કિલોમીટર યુપીના ગામમાં રહેતા યુવકનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
તપાસમાં યુવકે પોતાનું નામ સોકા પુશદ સિંહ જણાવ્યું અને પોતાના ગામનું નામ જણાવ્યું હતું પરંતુ આ ગામ ક્યાં છે અને આપેલા નામ સાચા છે કે કેમ તે તપાસનો વિષય હતો, ત્યારે પોલીસે આ તમામ વિગતો મેળવવા માટે ટેકનોલોજી અને ઇન્ટરનેટની મદદ લીધી હતી અને ગામનું નામ ઈન્ટરનેટ પર ચકાસ્યું હતું. જેમાં આ ગામ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવકની બોલી પરથી તે ઉત્તરપ્રદેશનો હોવાની પોલીસને જાણ થઈ હતી. જેથી ઉત્તર પ્રદેશ ગામનો હોવાનું માની તપાસ આગળ વધારી હતી, ત્યારે નેટ પરથી આ ગામના દુકાનનો એક મોબાઇલ નંબર પણ મળી આવ્યો હતો. જેની પોલીસે વાત કરીને યુવકનો ફોટો મોકલ્યો હતો, ત્યારે ગામના વ્યક્તિએ આ શખ્સનું નામ રાજેન્દ્ર હોવાનું અને તેમના ગામનો હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલોસે રાહતનો શ્વાસ લીધો હતો.
દોઢ મહિના પહેલાથી ગુમ થયેલા રાજેન્દ્રની પરિવારે આસપાસના તમામ ગામો અને જિલ્લામાં તપાસ કરી હતી, પરંતુ તે મળ્યો ન હતો, જ્યારે પરિવારે આશા છોડી દીધી હતી. ત્યાર બાદ પોલીસે યુવકનો પરિવાર સાથે દોઢ મહિના બાદ ઇન્ટરનેટના માધ્યમથી મિલન કરાવ્યું હતું.