અમદાવાદ : શહેરમાં ફરી એકવાર પોલીસકર્મી પર હુમલાની ઘટના બની છે, કુખ્યાત આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર આરોપીના સાગરીતોઓ પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે. શાહીબાગ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક પોલીસકર્મીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરીને મહિલાઓ સહિત 8 લોકોની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદના પૂર્વ વિસ્તાર શાહીબાગમાં પોલીસની ટીમ વોન્ટેડ આરોપીઓને ઝડપવાની કામગીરી કરી રહી હતી, ત્યારે પોલીસને માહિતી મળી હતી કે, શાહીબાગમાં હત્યાના ગુનામાં સામેલ આરોપી જે ચાઈના ગેંગનો મુખ્ય લીડર છે. તે ગોવિંદ ઉર્ફે પકલો ઉર્ફે જીગ્નેશ પટણી તેના ઘરે મોતીલાલ ચુનીભાઈની ચાલીમાં આવ્યો છે, જેથી પોલીસની 2 PSI અને 15 પોલીસ કોન્સ્ટેબલની ટીમ આરોપીને પકડવા માટે અસારવામાં તેની ચાલીમાં પહોંચી હતી. જ્યાં ચાલીના માણસો એકઠા થઈ ગયા હતા. પોલીસ વોન્ટેડ આરોપીને ઝડપીને અગાસી પરથી નીચે ઉતરી રહી હતી. તે દરમિયાન આરોપીની માતા સહિત અન્ય મહિલાઓ અને ચાલીના અન્ય પુરુષો પોલીસની ટીમ પર ધાબા પરથી પથ્થરમારો શરૂ કર્યો હતો.
પોલીસ કોન્સ્ટેબલ ઈજા : જે સમયે ત્યાં ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ ભુપેન્દ્રકુમાર કરશનભાઈ ચૌહાણને પથ્થર માથામાં વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે સમયનો લાભ લઈને આરોપી ગોવિંદ પટણીને તેની માતા અને અન્ય બે શખ્સોએ પોલીસની હાથમાંથી ખેંચીને ભગાડી ગયા હતા. જે બાદ પોલીસકર્મીને ગંભીર ઈજા થઈ હોવાથી પોલીસ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગઈ હતી.
અગાઉ પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરનાર આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે 11 લોકો સામે નામ જોગ ગુનો નોંધી 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને અન્ય આરોપીઓને પકડવા ટીમો કામે લગાડવામાં આવી છે. - ડૉ. કાનન દેસાઈ (DCP, ઝોન 4)