અમદાવાદ : શહેરમાં અવારનવાર ચીલઝડપના કિસ્સાઓ બનતા હોય છે. પરંતુ આવા કિસ્સામાં આરોપી ચોરીના માલને સગેવગે કરી દેતા હોય છે. આથી આરોપી અથવા ચોરીનો મુદ્દામાલ ફરી મળતો નથી. ત્યારે મણીનગર તેમજ કાલુપુર વિસ્તારમાં પર્સ સ્નેચિંગના ગુનામાં સામેલ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓની તપાસ કરતા તે અગાઉ ડ્રગ્સના ગુનામાં પણ ઝડપાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય બાબતોના આધારે આ ગુનામાં સામેલ આરોપીઓની મણિનગર પોલીસે ધરપકડ કરી છે.
ટેકનીકલ સોર્સની મદદ : મણીનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે પર્સ સ્નેચિંગના ગુનામાં સામેલ બે આરોપીઓની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે પર્સ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. એક વ્યક્તિ ઓટો રીક્ષામાં બેસીને જતો હતો. ત્યારે તેના ખોળામાં રાખેલું પર્સ ખેંચીને બે શખ્સો ફરાર થઈ ગયા હતા. જે પર્સમાં મોબાઈલ, 4 સોનાની વીંટી તેમજ 7 હજાર રોકડ રકમ હતી. આ અંગે તપાસ કરતા મણિનગર પોલીસે વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તેમજ અન્ય ટેક્નીકલ સોર્સની મદદ લીધી હતી. મણીનગર પોલીસ ટીમે પર્સ સ્નેચિંગનો ગુનો આચરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે.