અમદાવાદઃ વિશ્વના દરેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને કોરોનાના લીધે લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. જેના પગલે સરકારે રેપિડ ટેસ્ટ શરૂ કર્યા છે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે કોરોનાના લક્ષણ હોવા છતાં રેપિડ ટેસ્ટમાં નેગેટિવ રિઝલ્ટ આવતું હોવાથી લોકો સીટી સ્કેન તરફ વળ્યા છે. સીટી સ્કેનમાં પણ કોરોના ડિટેક્ટ થતો હોવાથી હવે લોકો સીટી સ્કેન વધારે કરાવી રહ્યાં છે. સીટી સ્કેનમાં ગણતરીની મિનિટોમાં જ કોરોનાની કેટલી હયાતી છે, તે જોઈ શકાય છે.
અમદાવાદીઓ કોરોના ટેસ્ટ માટે અપનાવી રહ્યા છે સીટી સ્કેનનો રસ્તો, જાણો શું છે સીટી સ્કેનની પ્રક્રિયા - medical
સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જો કે, અમદાવાદમાં હાલ કોરોનાના કેસ તો ઘટ્યા છે. પણ લોકો હવે ડરને કારણે કોરોના પોઝિટિવ થયા કે નહીં તેની તપાસ જાતે જ કરી રહ્યાં છે. શહેરના લોકો હવે સીટી સ્કેન દ્વારા કોરોના પોઝિટિવ થાય કે નહીં તેની તપાસ કરાવી રહ્યા છે અને અમદાવાદમાં સીટી સ્કેન અને રેડીયોલોજીસ્ટની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે, ત્યારે આવો જાણીએ શું હોય છે આ HRCT (હાઈ રિઝોલ્યુશન સીટી સ્કેન).
સિવિલ હોસ્પિટલના ડોક્ટર હેમાંગી પટેલ જણાવે છે કે, કોરોનાના કેસ જ્યારે વધારે આવતા હતા ત્યારે સીટી સ્કેન કરનારા લોકોની સંખ્યા 20થી 25 જેટલી હતી, હાલ તે સંખ્યા ઘટીને 10થી 15 જેટલી થઈ છે. જો કે મહત્વનું છે કે, સીટી સ્કેનમાં સચોટ પરિણામ આવે છે. આ સ્કેનમાં ફેફસાના પાંચ હિસ્સામાં દેખાતા ધબ્બાને આધારે દર્દીને સ્કોર આપવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, RTPCRનું રિઝલ્ટ ખોટું આવી શકે પરંતુ સીટી સ્કેન રીઝલ્ટ 100 ટકા ચોકડી વાળો હોય છે. આમ સીટી સ્કેન રિપોર્ટની મદદથી દર્દીને કેવી ટ્રીટમેન્ટ આપી તેનો ઝડપથી નિર્ણય લઈ શકાય છે. સીટી સ્કેન ખૂબ જ ઝડપી અને વિશ્વાસપાત્ર છે.
જ્યારે બીજી તરફ સિમ્સ હોસ્પિટલના દીપા શાહ જણાવે છે કે, અમારા ત્યાં રોજના 20થી 25 પેશન્ટ આવે છે. સીટી સ્કેનની વિશ્વસનીયતા RTPCR પરીક્ષણ કરતાં ઘણી વધારે છે. સીટીસ્કેન વાયરસની ગંભીરતાની સાચી સ્થિતિ જાહેર કરે છે. સીટી સ્કેનની કોરોનાની ફેફસાના ભાગોના આધારે સ્કોર આપવામાં આવે છે. જો આ સ્કોર 12 સુધીનો હોય તો તેનો અર્થ એ છે કે વાયરસ સામાન્ય સ્થિતિમાં છે. જો આ સ્કોર 18 કરતાં વધારે હોય તો તેનો અર્થ એ છે કે વાયરસ ગંભીર છે. આ પરીક્ષામાં લગભગ શૂન્ય સંભાવના છે જ્યારે RTPCR પરીક્ષણ અંગે ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે, ત્યારે આ સ્થિતિમાં આ HRCTથી સારું પરિણામ મળી રહ્યું છે.