અમદાવાદ : શહેરમાં ક્રાઈમ રેટ દિવસેને દિવસે વધી રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ સરદારનગરમાં શાકભાજીની લારી ઉભી રાખવા મામલે એક યુવકની હત્યા કરવામાં આવી હતી, ત્યારે હવે નિકોલમાં 65 વર્ષીય વૃદ્ધને અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ટિફિન સર્વિસનું કામ કરતા વૃદ્ધની જાહેર રોડ પર આ રીતે હત્યા કરવામાં આવતા પોલીસની પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
શું છે સમગ્ર મામલો : આ અંગે નિકોલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા પથિક રો હાઉસમાં રહેતા રાકેશ ચોરસીયા નામના યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓના સસરા શ્યામ સુંદર, બહાદુર પ્રસાદ, ચોરસીયા સ્વામી વિવેકાનંદ ચાર માળિયા ખાતે રહે છે અને ટિફિન બનાવવાનું કામ કરે છે. 25મી જૂન રવિવારે ફરિયાદી ઘરે હાજર હતા તે દરમિયાન તેઓની સાળીએ ફોન કરીને પોણા બાર વાગે જણાવ્યું હતું કે રાતના સવા નવ વાગે તેઓના પિતા શ્યામ સુંદર પંચવટી ચાર રસ્તા પર આવેલા ભાજીપાવ વાળાને ટિફિન આપવા માટે ઘરેથી નીકળ્યા હતા. હજુ સુધી ઘરે આવ્યા નથી.
પરિવારજનો સસરાની શોધમાં : જેથી ફરિયાદીએ અન્ય પરિવારજનોને આ અંગે જાણ કરી હતી અને તેઓ સસરાને શોધતા શોધતા શિરોમણી બંગલોઝની સામે મંગલપાંડે હોલ પાસે જાહેર રોડ પર પહોંચતા ત્યાં લોકોનું ટોળું ઊભું હતું. પોલીસ હાજર હોય ત્યાં તેઓને જાણવા મળ્યું હતું કે, ઉંમરલાયક વ્યક્તિને અજાણ્યા શખ્સે શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ઈજાઓ પહોંચાડી છે અને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા છે. જેથી ફરિયાદી પરિવારજનો સાથે સિવિલ હોસ્પિટલ ગયા હતા, ત્યાં તેઓના સસરા શ્યામસુંદર ચોરસિયાને અજાણ્યા વ્યક્તિએ શરીરે સાથળથી નીચેનાના ભાગે અલગ અલગ જગ્યાએ તીક્ષ્ણ હથિયાર વડે 4-5 ઘા તેઓની હત્યા થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી સમગ્ર બાબતને નિકોલ પોલીસે ગુનો દાખલ કર્યો છે.