અમદાવાદ : અમદાવાદના સરસપુરના વિસ્તારના લોકોએ વાંદરાઓના ત્રાસથી પરેશાન થઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.આ અરજીમાં સરસપુરના રહેવાસીઓએ રજૂઆત કરી છે કે અત્યાર સુધીમાં વાંદરાઓએ 17 વ્યક્તિને બચકા ભરીને ઘાયલ કરી દીધા છે. વન વિભાગની ફરિયાદ કરવા છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
8 મહિનાથી હેરાનગતિ : શહેરમાં રખડતા ઢોરનો અને રખડતા કૂતરાંઓનો ત્રાસ તો યથાવત છે.પરંતુ હવે અમદાવાદમાં વાંદરાઓએ હેરાનગતિ પણ ચાલુ થઈ ચૂકી છે. અમદાવાદના સરસપુર વિસ્તારમાં છેલ્લા 8 મહિનામાં વાંદરાઓએ કુલ 17 વ્યક્તિઓને લાફા મારીને બચકા ભરી લીધાંની ઘટનાઓ સામે આવી છે. આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને સરસપુરના રહેવાસીઓએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી છે.
જાહેર હિતની અરજી : સરસપુરના રહેવાસીઓ દ્વારા જે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. તે અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા ઘણા સમયથી વાંદરાઓ હેરાન અને પરેશાન કરી રહ્યા છે .રોજે ત્રણેક વ્યક્તિઓને વાંદરાઓ કરડી જાય છે. જેના કારણે વૃદ્ધોને બાળકો ઘરની બહાર પણ નીકળતા નથી.
વાંદરા 17 વ્યક્તિઓને કરડ્યાં : સરસપુર વિસ્તારમાં છેલ્લા આઠ મહિનાથી વાંદરાઓનો આતંક વધી રહ્યો છે . વાંદરાઓના આતંકના કારણે અત્યાર સુધીમાં કુલ 16થી 17 વ્યક્તિઓને વાંદરાઓ કરડી ચૂક્યા છે . વાંદરાઓના આતંકનું ભોગ બનેલા 6 થી 7 વર્ષના નાના બાળકો તેમજ 10 જેટલા વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે.
લાફા પણ મારે છે : આ અરજીમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે એકલા ફરતા દેખાતા કોઈપણ વ્યક્તિઓને વાંદરાઓ હુમલો કરી બેસે છે અને બચકા ભરે છે. એટલું જ નહીં જો એકલી મહિલાઓ દેખાય છે તો તેને પણ વાંદરાઓ હુમલા કરીને લાફા મારીને જતા રહે છે.
6 જેટલા બાળકોને બચકાં ભર્યાં : એક વૃદ્ધને વાંદરો બે વખત કરડી જતા 10 થી 12 ટાંકા લેવા પડ્યા હતાં એવો આતંક વાંદરાઓ મચાવી રહ્યા છે. વહેલી સવારના સમયમાં બાળકો જ્યારે સ્કૂલે જતા હોય છે ત્યારે વાંદરાઓ અચાનક આવીને બાળકોને લાફા મારે છે. અત્યાર સુધીમાં કુલ 6 જેટલા બાળકોને વાંદરાઓએ બચકા ભરી લીધા છે. જ્યાં સુધી બાળકોના શરીરમાંથી માંસનો લોચો ખેંચી ન લે ત્યાં સુધી વાંદરાઓ બાળકોને છોડતા નથી અને જો કોઈ છોડાવવાનો પ્રયત્ન કરે છે તો તેમની સામે પણ વાંદરાઓ સમૂહમાં હુમલો કરી બેસે છે.
આવતા સપ્તાહે વધુ સુનાવણી : વાંદરાઓના ત્રાસથી પરેશાન આ સમગ્ર બાબતે સ્થાનિક લોકોએ કોર્પોરેશન અને વનવિભાગની અને એક વખત રજૂઆત કરી હતી. તેમ છતાં પણ કોઈ પગલાં હજુ સુધી લેવામાં આવ્યા નથી. વન વિભાગની ફરિયાદ કરવા છતાં કોઈપણ પ્રકારનો ઉકેલ નહીં આવતા હવે સરસપુરના સ્થાનિકોએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે જેની આવતા સપ્તાહે વધુ સુનાવણી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટમાં હાલ પણ રખડતા ઢોરના ત્રાસ તેમજ રખડતા કૂતરાંઓના ત્રાસને લઈને અગાઉ પણ અરજીઓ આવી ચૂકેલી છે.
- સરસપુર માં વાંદરા નો આતંક, અંતે પુરાયો પાંજરે
- જાણીને આશ્ચર્ય થશે, અમદાવાદ એરપોર્ટ પર વાંદરા ભગાવવા રીંછ લઇ આવ્યા
- કોંગ્રેસના ધારાસભ્યો કુતરા અને વાંદરા સાથે રમતા નજરે પડ્યા