અમદાવાદ : મન હોય તો જ માળવે જવાય. આ શબ્દોને અમદાવાદનાં 64 વર્ષીય વૃદ્ધે સાર્થ કર્યા છે. જ્યારે કોઈ વ્યક્તિને સામાન્ય અકસ્માતમાં હાથ પગ કે શરીરના કોઈ પણ અંગને ગુમાવવું પડતુ હોય છે, ત્યારે તે માનસિક રીતે તુટી પડે છે અને અમુક કિસ્સામાં તો ડ્રિપ્રેશનમાં આવી આપઘાત પણ કરે છે. ત્યારે ધરમશીભાઈ રબારીની આ વાત સાવ અલગ તરી આવે છે.
2003માં એક અકસ્માતમાં બન્ને પગ ગુમાવ્યા : કોઈ પણ વ્યક્તિ જો પોતાના હાથ કે પગ ગુમાવી દે, તો સૌથી પહેલા પરિવારની જવાબદારી અને અન્ય બાબતો વિચારીને ડિપ્રેશનમાં જતો રહે છે, પરિવાર પર બોજો ન બનવા માંગતા દિવ્યાંગ વ્યક્તિ તો પોતાના જીવનનો પણ અંત લાવી દેતા હોય છે, જોકે મૂળ પાટણના દીઘડી ગામનાં રહેવાસી અને હાલ અમદાવાદનાં નિકોલમાં ફાયર સ્ટેશન ક્વાટર્સમાં રહેતા ધરમશીભાઈ રબારી જેઓએ 2003માં એક અકસ્માતમાં પોતાના બન્ને પગ ગુમાવ્યાં હતાં.
મારો અકસ્માત થયો અને મેં પગ ગુમાવ્યા. પરંતુ મારી જેમ અનેક દિવ્યાંગ લોકો જેઓ જીવન જીવવાની આશા ગુમાવી ચુક્યા હોય તેઓને નવજીવન આપવાની મને ઈચ્છા થઈ અને જોતજોતામાં 20 વર્ષ વીતી ગયા. આજે પણ સતત મને અમારા ગૃપમાં દિવ્યાંગ લોકો સંપર્ક કરે છે. મારા ધ્યાનમાં જે પણ લોકો આવી જરૂરિયાત ધરાવનાર આવે તેને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના હાથ, જયપુરી ફૂટ નખાવવા સહિતની તેમજ આવવા જવાનો કોઈ પણ ખર્ચો કે ઘરે જમાડવા માટે એક પણ રૂપિયા લીધા વિના તમામ સેવા કરું છું. આમાં મને પરિવારનો પણ પુરતો સહયોગ મળ્યો છે...ધરમશીભાઈ રબારી(દિવ્યાંગ સમાજસેવક)
મક્કમ મન રાખીને પોતે જયપુરી ફૂટ નખાવ્યા : તે સમયે પરિવારની જવાબદારીની ચીંતાઓ સતાવવા લાગી પણ તેઓએ મક્કમ મન રાખીને પોતે જયપુરી ફૂટ નખાવ્યા, જે સમયે તેઓને મનમાં એક વિચાર આવ્યો કે તેઓની જેમ અનેક લોકો જેઓએ કોઈ પણ કારણોસર પોતાના હાથ પગ ગુમાવ્યા છે અને જીંદગીથી હારી ગયા છે તેવા લોકોની મદદ કરવી. બસ આ જ વિચાર સાથે તેઓએ ધીમે ધીમે દિવ્યાંગ લોકોની મદદ કરવાનું શરૂ કર્યું અને આજે આ મદદ મેળવનાર લોકોનો આંકડો 500 ને પાર પહોંચી ચુક્યો છે.
હજારો લોકોનું ગૃપ બનાવ્યુ : ધરમશીભાઈ પહેલા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હતાં. પરંતુ એક અકસ્માતે તેઓના જીવનમાં મોટુ પરિવર્તન લાવી દીધુ. છેલ્લાં 20 વર્ષથી તેઓ અંધજન મંડળ સાથે સંકળાયેલા છે અને હજારો લોકોનું એક ગૃપ બનાવ્યુ છે. જે ગૃપમાં ન માત્ર ગુજરાતના પરંતુ ગુજરાત બહારથી પણ જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ સારવાર માટે આવે તો તેને પોતાની રીક્ષામાં બેસાડી તેની તમામ સારવાર અને નાત-જાત કે ધર્મ જોયા વિના માત્ર સેવાનો જ ધર્મ માનીને પોતાના ઘરમાં આશરો આપી, જમાડીને તમામ સારવાર પૂર્ણ થઈ જાય પછી પણ તેને ધરે મોકલી સમયાંતરે મુલાકાત લઈ ખબર અંતર પૂછે છે.
પરિવારનો સહયોગ : અમદાવાદ શહેર કે કોઈ પણ જિલ્લામાં કોઈ પણ નિરાધાર વ્યક્તિ કે ભિક્ષુક પણ જો દિવ્યાંગ તેઓને ધ્યાને આવે તો તેઓ તરત જ તેની મદદ કરવાના કામે લાગી જાય છે. ને તેમાં તેઓના પરિવારનો પણ પુરતો સહયોગ મળે છે. તેઓનો એક દીકરો ફાયર વિભાગમાં ફાયરમેન તરીકે ફરજ બજાવે છે, અને પત્ની પણ તેઓના ઘરે આવતા તમામ દિવ્યાંગને અને તેની સાથે આવેલા પરિવારજનોને પોતાની હાથનું જમાડવાનું ચુકતા નથી.