અમદાવાદ : અમદાવાદ શહેર દિવસે ને દિવસે વિકસી રહ્યું છે. જેની સાથે અમદાવાદમાં જનસંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. બહારના લોકો પણ અમદાવાદ શહેરમાં રોજગાર પ્રાપ્ત કરવા માટે સ્થાયી થઈ રહ્યા છે. શહેરના લોકોને જીવન જરૂરિયાતની સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થાય અને લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પીવાના પાણીની ટાંકી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં ઓવરહેડ તેમજ અંડર ગ્રાઉન્ડ એમ બે પ્રકારની ટાંકી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પીવાના પાણીની ટાંકીને મંજૂરી :આ બાબતે વોટર કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, ઘાટલોડિયામાં અત્યાર સુધી નાની પાણીની ટાંકીમાંથી પાણી સપ્લાય કરવામાં આવતું હતું. ત્યારે ઘાટલોડિયામાં કલેકટરના એક પ્લોટમાં દબાણ દૂર કરીને તે કલેકટરનો પ્લોટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખરીદી લેવામાં આવ્યો છે. જેના થકી 25 લાખ લિટરની ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી અને 25 લાખ મિલિયન લિટરની ક્ષમતા ધરાવતી અંડર ગ્રાઉન્ડ ટાંકીના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.