અમદાવાદ:અમદાવાદ કોર્પોરેશનના ટેકસ વિભાગ દ્વારા શહેરની જનતા વધુમાં વધુ ટેક્સ ભરે તે માટે ઓનલાઈન અને ઓફલાઈન યોજના મૂકવામાં આવી હતી. જેના અંતર્ગત શહેરની જનતાનો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ હજુ પણ કોર્પોરેશન દ્વારા રેસીડેન્સી અને કોમર્શિયલમાં જેનો પણ ટેક્સ બાકી છે. તેવા લોકોને ટેક્સના વ્યાજમાં માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેની સામે ઝીરો ટોલરન્સ નીતિ હાથ ધરવામાં આવશે તેમજ રિકવરી માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
7704 પ્રોપર્ટી સીલ:રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે ટેક્સમાં બાકી રકમ અનેક પ્રકારની ઇન્વેસ્ટિવ સ્કીમ અમલમાં હોવા છતાં કરદાતાઓ દ્વારા બાકી ટેક્સની રકમની ભરપાઈ કરવામાં આવતી નથી. બાકી રકમવાળા કરદાતાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ હાથ ધરવામાં આવશે. તેની રિકવરી માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે હાલમાં કોર્પોરેશન દ્વારા 50 હજાર કે તેથી વધુ રકમ બાકી હોય તેવા પ્રયત્નોને છેલ્લી નોટિસ આપીને મિલકત જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી 7704 જેટલા કરદાતાઓની મિલકત સીલ મારવામાં આવી છે.
સૌથી વધુ પૂર્વ ઝોનમાં:જો મિલકતની વાત કરવામાં આવે તો સેન્ટ્રલ ઝોનમાં 934 ,ઉત્તર ઝોનમાં 587 ,દક્ષિણ ઝોનમાં 984 ,પૂર્વ ઝોનમાં 1509 ,પશ્ચિમ ઝોનમાં 972 ,ઉત્તર પશ્ચિમમાં 1381 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1337 એમ કુલ મળીને 7704 મિલકત પર સીલ મારવામાં આવ્યા છે. હાલમાં ચાલુ વર્ષમાં બાકી નીકળતા પ્રોપર્ટી ટેક્સમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા ઇતિહાસમાં પહેલીવાર 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સ તથા પ્રોફેશનલ ટેક્સ બંનેમાં રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી છે.જેથી આ બંને યોજના એક સાથે શહેરની જનતા લઈ શકે છે.