અમદાવાદઃ રવિવારે કબીર એન્કલેવ અને તેની આસપાસની સોસાયટીઓના કોરોના લક્ષણો ધરાવતા લોકોના ફ્રી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આગામી 7 દિવસ હજૂ પણ બોપલ-ઘુમાની વિવિધ સોસાયટીમાં આરોગ્ય સંજીવની અને ધનવંતરી રથ મોકલવામાં આવશે. 3જી જુલાઈના રોજ બોપલમાં આવેલી સનસીટી-1થી સનસીટી-7, આરોહી ક્રિસ્ટ, સ્પ્રિંગ મિડોશ બંગ્લોઝ, અમર માંજરી બંગ્લોઝ અને સનસીટી હાર્ટમાં રહેતા લોકો જેમને કોરોનાનાં લક્ષણ દેખાતા હોય તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
પાલિકાના પૂર્વ પ્રમુખ જીગીશાબેન શાહે જણાવ્યુ હતુ કે, છેલ્લા 3 દિવસમાં કુલ 200થી વધુ રેપિડ એન્ટિજન કોવિડ-19 ટેસ્ટ કર્યા છે. જેમાં મોટાભાગના નેગેટિવ આવ્યા છે. ગાર્ડન રેસિડેન્સીમાં 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 4 જુલાઈના રોજ સાઉથ બોપલના કન્ટેઈનમેન્ટ જાહેર કરાયેલા ઓર્ચિડ પેરેડાઈઝમાં પણ લક્ષણો ધરાવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ ગાલા ગ્લોરીના કેટલાક રહિશોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે, અહી એક પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. જેથી રહિશો અને આરોગ્યની ટીમે પણ રાહતનો શ્વાસ લીધો છે.
ટેસ્ટ કર્યા પછી પોઝિટિવ આવતા દર્દીઓને મળી રહી છે તાત્કાલિક સારવાર : ગુણવંતસિંહ સોલંકી, ડેપ્યુટી મ્યુનિશિપલ કમિશનર
બોપલ-ઘુમા વિસ્તાર કોર્પોરેશનમાં ભળ્યો છે, ત્યારે આ વિસ્તારમાં જે કોઈ સિમટોમેટિક કે એસિમટોમેટિક લક્ષણો ધરાવતા વ્યક્તિ નજરે પડે તો તેમના ટેસ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. રવિવારના દિવસે પણ અમારી ટીમ આ માટે વિવિધ સોસાયટીઓમાં લોકોના ટેસ્ટ કરવા માટે કામ કરી રહી છે. જો પોઝિટિવ દર્દી આવે તો તત્કાલ સારવાર મળી રહે તે માટે પ્રયાસ હાથ ધરાશે. ધનવંતરી રથ અને હેલ્પલાઈન 104 આરોગ્ય સેવા વાન મારફતે લોકો વધુને વધુ આ સેવાનો લાભ લે તે માટે અપીલ પણ કરવામાં આવી છે. હજૂ આગામી એક સપ્તાહ સુધી આ ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે.